AHMEDABAD : રામોલ-હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર જ બીમારીનું ઘર! ઠેર ઠેર ગંદકી અને દારૂની પોટલીઓ, ધૂળ ખાતા વોટર કૂલર

0
3
meetarticle

અમદાવાદના રામોલ-હાથીજણ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરની અત્યંત દયનીય સ્થિતિ સામે આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ મહામંત્રીએ આ હેલ્થ સેન્ટરની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન હેલ્થ સેન્ટરના શૌચાલયમાં ભારે ગંદકી જોવા મળવાની સાથે ત્યાં દારૂની પોટલીઓ પણ મળી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોગ્ય સેવાઓ પૂરી પાડતા કેન્દ્રમાં જ શૌચાલયની આવી બદતર હાલત સામે આવતા તંત્રની સફાઈ અને દેખરેખની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.

પીવાના પાણીનાં મશીનો બિનઉપયોગી અને બિલ્ડિંગની જર્જરિત સ્થિતિ

આરોગ્ય કેન્દ્રમાં નાગરિકો માટે પીવાના પાણીની સુવિધા ઊભી કરવા માટે લગાવવામાં આવેલા મશીનો પણ યોગ્ય જાળવણીના અભાવે બિનઉપયોગી અને ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત, હેલ્થ સેન્ટરની બિલ્ડિંગની પણ સમયસર જાળવણી કે મરામત કરવામાં આવતી નથી, જેના કારણે બિલ્ડિંગ પણ જર્જરિત બનતી જાય છે. નાગરિકોને પાયાની સુવિધાઓ આપવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.

18,000 કરોડ રૂપિયાના બજેટ છતાં પાયાની સુવિધાઓનો અભાવ

કોર્પોરેશનનું અંદાજે 18,000 કરોડ રૂપિયાનું જંગી બજેટ હોવા છતાં તેના પોતાના હેલ્થ સેન્ટરમાં સ્વચ્છ શૌચાલય, પીવાનું પાણી અને યોગ્ય બિલ્ડિંગ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. આ માત્ર એક અર્બન હેલ્થ સેન્ટરનો પ્રશ્ન નથી પરંતુ કોર્પોરેશનની સમગ્ર વ્યવસ્થા અને જવાબદારી સામેનો ગંભીર સવાલ છે. કરોડો-અબજો રૂપિયાના બજેટની જાહેરાતો કરવાથી વિકાસ થતો નથી, પરંતુ નાગરિકોને જમીન પર સુવિધાઓ મળે ત્યારે જ સાચો વિકાસ દેખાય છે. કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં અન્ય અર્બન હેલ્થ સેન્ટરોની પણ તપાસ કરવાની જાહેરાત કરાઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here