નારોલમાં પાણીના ખાબોચિયામાં વીજ કરંટ લાગવાથી નિર્દોષ પતિ-પત્નીના મોત થયા હતા. આ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપની ભેગા મળીને જેના શીરે જવાબદારી છે તેવા મોટા અધિકારીઓને બચાવવાનો કારસો રચી અને નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યા હોવાની ચર્ચા વેગવાન બની છે.

રિપેરિંગ કરતા કોર્પોરેશનના એન્જીનિયર, સુપરવાઇઝર જેવા નાના કર્મચારી અને કોન્ટ્રાકટર તથા તેના માણસો સામે ગુનો નોંધ્યો છે. આટલી મોટી દુર્ઘટના બની તેેમાં પાણીમાં વીજ વાયરો ખુલ્લા હતા તેના પરથી સાબિત થાય છે કે જેની નિયમીત તપાસ કરાતી નથી. પહેલેથી કાળજી રાખી હોત તો નિર્દોષ બે લોકોએ જીવ ગુમાવ્યા ન હોત આવી કાળજું કંપાવનારી ઘટનામાં બેજવાબદાર નિષ્ઠૂર તંત્ર સામે શિક્ષાત્મક કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન થતું અટકી શકે છે.
નારોલ પોલીસ સ્ટેશન પાસે મટન ગલીમાં વરસાદના ભરાયેલા પાણીમાં પસાર થતાં પતિ અને પત્નીના વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયાં હતાં. કાળજું કંપાવનારી ઘટનામાં પોલીસ તપાસમાં વીજ વાયરો ખુલ્લા હોવાથી કરંટના કારણે નિર્દોષ બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી દુર્ઘટનામાં જેના શીરે સમયસર વીજના થાંભલા તથા અન્ય મરામત અને સુપરવિઝનની જવાબદારી છે તેવા અધિકારીઓને બચાવવા માટે કોર્પોેરેશન તથા વીજ કંપનીએ ભેગા મળીને કારસો રચવામાં આવ્યો છે.
પોલીસે કોર્પોરેશનના બે કર્મચારી તથા કોન્ટ્રાકટર અને તેના માણસો સામે ગુનો નોંધ્યો છે. કોર્પોરેશનના કર્મચારીઓના જણાવ્યા મુજબ ઘટના બની તે સ્થળે થોડા સમય પહેલા બે થાંભલા કાઢ્યા હતા અને વીજ સપ્લાય બંધ કર્યો હતો, કેવી રીતે કરંટ પસાર થયો તે ખબર પડતી નથી. તેમના કહેવા મુજબ આ જવાબદારી અમારી આવતી નથી કોર્પોરેશન દ્વારા આપેલા કોન્ટ્રાકટરની જવાબદારી આવે છે. બીજી તરફ, પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ અને તપાસ બાદ જે અધિકારીઓેની જવાબદારી સાબિત થશે તો તેમની સામે પણ પગલાં ભરવામાં આવશે.
બીજી તરફ, એવી પણ ચર્ચા જાગી છે કે, આ ઘટનામાં ફોરેન્સિક સાયન્સ અને નિષ્ણાતોની મદદ લઈને તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે જ જે રીતે ધરપકડો કરવામાં આવી છે તે જોતાં નાના માણસો સામે કાર્યવાહી કરી મોટા અધિકારીઓને બચાવી લેવાનું આયોજન થયાંની ચર્ચા છે. ખરેખર તો, રસ્તો બનાવવા માટે વીજથાંભલા કાઢી લઈ વીજપ્રવાહ બંધ કરી દેવાયો હોય તે પછી તે ખાડો ઢાંકી દેવાયો હોવો જોઈએ. જો ખાડો ઢાંકી દેવાયો હોય તો પછી પાણી કઈ રીતે ભરાય? વીજ સપ્લાય બંધ કર્યો હોય તો વીજ કરંટ કઈ રીતે વહે? આવા અનેક સવાલોના જવાબ હજુ સુધી પોલીસ તપાસમાં વણઉકેલાયેલા છે. અત્યારે તો અનેક સવાલો વચ્ચે રોષ ખાળવા જેવી કાર્યવાહી થઈ રહ્યાંની ચર્ચા પણ વેગવાન છે.

