અમદાવાદના ઈસનપુરમાંથી સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ 15 વર્ષની સગીરા સાથે સ્નેપચેટ દ્વારા શાળાની વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવી અને બાદમાં તેનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ છે.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ધોરણ 10માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની ઈસનપુરમાં તેના માતા-પિતા સાથે રહે છે. લગભગ બે મહિના પહેલાં, તેની આરોપી હસન કુરેશી સાથે સ્નેપચેટમાં મુલાકાત થઈ હતી. બંને દરરોજ ફોન દ્વારા જ વાતચીત કરતા. બાદમાં રૂબરૂ મળ્યા અને પછી પ્રેમ સંબંધમાં બંધાયા. જોકે, ગત રવિવારે (21 સપ્ટેમ્બર) સગીરા ઘરેથી નોટબુક લેવા મિત્રના ઘરે જવાનું બહાનું કાઢીને કુરેશીને મળવા ગઈ હતી. ત્યાંથી આરોપી તેને કારમાં પાલડીની એક હોટેલમાં લઈ ગયો અને લગ્નનું વચન આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને થોડીવારમાં પાછો આવું કહીને ત્યાંથી ભાગી ગયો.
માતા-પિતાએ પોલીસમાં ફરી ફરિયાદ
જ્યારે સગીરા મોડી રાત સુધી ઘરે ન પહોંચી, ત્યારે તેન માતા-પિતાને ચિંતા થઈ અને બાદમાં ઈસનપુર પોલીસનો સંપર્ક કર્યો, પોલીસે તુરંત જ ફરિયાદના આધારે સગીરાને શોધવાની તજવીજ હાથ ધરી. જોકે, બાદમાં બીજા દિવસે સગીરા જાતે ઘરે પાછી ફરી અને આખી માહિતી વિશે તમામને જાણ કરી.
પોલીસે આરોપીની કરી ધરપકડ
હાલ પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની કલમો હેઠળ FIR નોંધી. મુખ્ય આરોપી કુરેશીની પાલનપુરથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અપહરણમાં મદદ કરનાર અન્ય એક આરોપી હજુ ફરાર છે.
ઈસનપુર પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, ‘પીડિતાને મેડિકલ સારવાર અને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. બીજા આરોપીને શોધી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.’

