અમેરિકામાં જે ન્યાયધીશના ઉદાહરણો અપાય છે એ ફ્રેન્ક કેપ્રિયોનું ૮૮ વર્ષે અવસાન થયું છે. અમેરિકામાં જ નહીં, દુનિયાભરમાં આ ન્યાયધીશ તેમની ન્યાયપ્રિયતા, કરૂણા અને ઉદારતા માટે લોકપ્રિય થયા હતા. ૧૯૮૫માં ન્યાયધીશ બનેલા ફ્રેન્ક કેપ્રિયો ૨૦૨૩માં નિવૃત્ત થયા હતા. તેમને ઘણા સમયથી સ્વાદુપિંડનું કેન્સર હતું.
અમેરિકાના ન્યાયતંત્રમાં ફ્રેન્ક કેપ્રિયોનું નામ બહુ જ સન્માનથી લેવાતું હતું. ૮૮ વર્ષના ફ્રેન્ક કેપ્રિયો તેમના ન્યાયપ્રિય અને દયાળુ નિર્ણયો માટે જાણીતા હતા. તેઓ નાના-મોટા કેસમાં બહુ જ ઝડપથી ન્યાયસંગત ચુકાદો આપી દેતા હતા. કેચ ઈન પ્રોવિડન્સ નામના રિઆલિટી શોમાં તેમના ટ્રાફિકને લગતા કે એવા નાના નાના કેસના ચુકાદા બતાવાયા હતા. એના કારણે તેઓ દુનિયાભરમાં મશહુર બન્યા હતા.
તેમના ચુકાદાના વીડિયોઝ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. એમાંનો એક કિસ્સો તો બહુ જ જાણીતો હતો અને કેટલાય ન્યાયધીશો સામે એનું ઉદાહરણ અપાતું હતું. એક વયોવૃદ્ધ નાગરિકે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. તેમના પર ઓવરસ્પીડિંગનો આરોપ લાગ્યો હતો. જોકે, અગાઉ ક્યારેય એક પણ કેસ ન હોવાથી ન્યાયધીશે ઉદારતા બતાવીને એ વયોવૃદ્ધને માફી આપી હતી.
મૃત્યુની થોડી કલાકો પહેલાં જ તેમણે ઈન્સ્ટાગ્રામમાં હોસ્પિટલમાંથી પોતાની તસવીર સાથે પોસ્ટ મૂકી હતી. એમાં તેમણે સૌ સમર્થકોનો તેમની તબિયત સારી થાય તે માટે કરેલી પ્રાર્થના બદલ આભાર માન્યો હતો. તેમણે અગાઉ કેન્સર થયાની જાણકારી પણ સોશિયલ મીડિયામાં આપી હતી.


