આમોદ નજીકનો નેશનલ હાઈવે 64 હવે ફક્ત એક રસ્તો નહીં, પરંતુ તંત્રની ઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે. ખાડાઓ, કાદવ અને કિચડથી ભરેલા આ માર્ગ પર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે, છતાં પણ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગવા તૈયાર નથી. ગતરોજ એક ટ્રક ખાડામાં ફસાતા એક કલાક સુધી વાહનવ્યવહાર થંભી ગયો હતો. અને ફરી એક વેગનઆર કારનો ભોગ લેવાયો.
આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી, પરંતુ પ્રજાના જીવ અને સંપત્તિ સાથે થતી ગંભીર રમત છે. જ્યારે તંત્રની બેદરકારી અને માર્ગના ખાડાઓથી પ્રજા પરેશાન છે, ત્યારે આમોદ પોલીસે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. ટ્રક ફસાવાના કારણે સર્જાયેલા એક કલાકના ટ્રાફિક જામ દરમિયાન પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ટ્રાફિકનું નિયમન કર્યું હતું. પોલીસની સમયસરની કામગીરી અને સતત પ્રયાસોથી માર્ગ ફરી રાબેતા મુજબ થયો હતો. પરંતુ આ માત્ર એક કામચલાઉ સમાધાન છે. પોલીસની મહેનત અને લોકોની પરેશાની ત્યારે જ ખતમ થશે. જ્યારે તંત્ર આ માર્ગનું કાયમી અને ગુણવત્તાસભર સમારકામ કરાવશે. માત્ર ટ્રાફિકનું નિયમન કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. તંત્રની બેદરકારી સામે પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે. પરંતુ તે પ્રજાની અપેક્ષાને પૂર્ણ કરી શકતી નથી. આ કોઈ પહેલીવારની ઘટના નથી. અગાઉ પણ અનેક અકસ્માતો અહીં બની ચૂક્યા છે. મીડિયામાં વારંવાર અહેવાલો પ્રકાશિત થયા છે. કોંગ્રેસ સહિત સ્થાનિક પ્રજાએ આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે. અને વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ તો અન્ન અને જળનો ત્યાગ કરીને આંદોલન પણ કર્યું હતું. જેના પરિણામે તંત્ર સફાળું જાગ્યું અને માર્ગના કાયમી સમાધાનની બાંહેધરી આપી હતી. પરંતુ તે બાંહેધરીઓ માત્ર શબ્દો બની રહી છે. હલકી ગુણવત્તાના સમારકામે પરિસ્થિતિ સુધારવાને બદલે વધુ ખરાબ કરી નાખી છે. આજે પણ માર્ગની હાલત “જેસે થે” જોવા મળી રહી છે, જાણે કે તંત્રને આ સમસ્યાથી કોઈ ફરક જ પડતો ન હોય.
ઠેર-ઠેર ખુલ્લી ગટરો અને ખાડાઓથી ભરેલો આ માર્ગ વાહનચાલકો માટે મોતનો કુવો સાબિત થઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો અને વિરોધ છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી. આ પરિસ્થિતિ દર્શાવે છે કે તંત્ર પ્રજાના અવાજને ગંભીરતાથી લેતું નથી. પ્રજાનો જીવ અને તેમનું આર્થિક નુકસાન તંત્ર માટે ગૌણ બની ગયા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે, જેથી કરીને પછી જાગે? આ માર્ગની સમસ્યાનું તાત્કાલિક અને કડક નિરાકરણ લાવવું અત્યંત આવશ્યક છે, નહીંતર આ માર્ગ પર ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે. બચ્ચો કા ઘર નજીકનો આ માર્ગ માત્ર વાહનચાલકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર માટે એક ગંભીર ખતરો બની ગયો છે. આ માર્ગની નજીકમાં જ શાળા, મદરેસા અને હોસ્પિટલ જેવી સંસ્થાઓ આવેલી છે. કલ્પના કરો કે, આ ખાડાઓ અને કાદવ-કીચડના કારણે જો કોઈ ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચવામાં મોડું થાય તો શું થાય? બાળકોને સ્કૂલે જતી વખતે કાદવમાં પડવું પડે કે અકસ્માતનો ભોગ બનવું પડે તો તેની જવાબદારી કોની? તંત્રની આ બેદરકારી માત્ર વાહનવ્યવહારને જ નહીં પરંતુ સ્થાનિક લોકોના જીવ અને આરોગ્યને પણ સીધી રીતે જોખમમાં મૂકી રહી છે. શું તંત્ર કોઈ ગંભીર દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે. જેથી પછી જાગે? આ માર્ગની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવું અત્યંત જરૂરી છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


