GUJARAT : આમોદ નગરપાલિકાનો ‘ઢોર’ વહીવટ!, રખડતા ઢોર સામે તંત્ર લાચાર, લાખોના ખર્ચે બનેલા ઢોર ડબ્બાનો કોઈ ઉપયોગ નહીં?, પ્રજાના જીવ જોખમમાં

0
148
meetarticle

આમોદ નગરપાલિકાનો વહીવટ સંપૂર્ણપણે નિષ્ક્રિય સાબિત થઈ રહ્યો છે. નગરના પાલિકા કમ્પાઉન્ડ અને મુખ્ય પ્રવેશ દ્વાર સામે જ રખડતા ઢોરે અડિંગો જમાવ્યો છે, છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ચાર લાખ રૂપિયાના ખર્ચે સમારકામ કરાયેલો ઢોર ડબ્બો માત્ર સરકારી નાણાંનો દુરુપયોગ જ સાબિત થયો છે. આમોદમાં રખડતા પશુઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે નગરજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. હજી એક અઠવાડિયા પહેલા જ એક પેરાલિસિસગ્રસ્ત આધેડને ગાયે અડફેટમાં લેતા ઇજા થઈ હતી. છતાં પાલિકાના પેટનું પાણી હલ્યું નથી. શાકભાજી અને ફ્રુટના વેપારીઓ પણ આ પશુઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તા પર થતા ઢોરના ઝઘડા અને અડીંગાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાય છે.

તાજેતરમાં મળેલી એક બેઠકમાં મામલતદારે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં પાલિકાને રખડતા ઢોર પકડવા માટે કડક સૂચના આપી હતી. પરંતુ પાલિકાએ હજુ સુધી કોઈ નક્કર પગલાં ભર્યા નથી. આ બેદરકારી અને નિષ્ક્રિયતા દર્શાવે છે કે પાલિકા પ્રજાની સુરક્ષા પ્રત્યે કેટલી ગંભીર છે. શું કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ જ તંત્ર જાગશે? આમોદની જનતાને સવાલ છે કે શું તેમણે આ ‘ઢોર’ વહીવટને ચૂપચાપ સહન કરતા રહેવું પડશે? અમુક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ઢોર પકડવા ગયેલા સ્ટાફને ‘ગૌ રક્ષા’ના નામે વિરોધનો સામનો કરવો પડે છે, જેના કારણે પણ પાલિકાની કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. પરંતુ પ્રજાના જીવના જોખમે આવા વિરોધને નકારીને કડક પગલાં ભરવા એ પાલિકાની જવાબદારી છે. જો આમોદમાં કોઈ મોટી જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની ગણાશે તે એક મોટો સવાલ છે.

રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here