આમોદ શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરના જોષી ફળિયામાં ભાજપના માજી મહિલા પ્રમુખ શર્મિષ્ઠાબેન જોશીના ઘર નીચે જ 15 થી 20 ફૂટ ઊંડો અને પહોળો ભુવો પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ ઘટનાએ નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, કારણ કે આ ભુવો સીધો મકાનના પાયા સુધી પહોંચી ગયો છે. આ ઘટના વહેલી સવારે 7 વાગ્યે બની હતી. તાત્કાલિક શર્મિષ્તાબેન જોશીએ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસરને જાણ કરી હતી. જોકે, અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ પણ કોઈ નિષ્ણાત ટીમને બોલાવવાને બદલે સફાઈ કામદારો અને ગટર સાફ કરતા કર્મચારીઓને જ સમારકામ માટે મોકલ્યા હતા. આ પ્રકારના બિન-વ્યાવસાયિક અભિગમથી નારાજગી વ્યક્ત કરતા શર્મિષ્તાબેન જોશીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું કે જો ભૂવો મકાનના નીચેથી વિસ્તરે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
આ ગંભીર પરિસ્થિતિને કારણે શર્મિષ્ઠાબેન જોશી પોતાના મકાનમાં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિક નાગરિકોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે જો પાલિકાના માજી પ્રમુખ સાથે જ નગરપાલિકાનું આવું વર્તન હોય તો સામાન્ય નાગરિકો માટે શું આશા રાખવી? આ ભુવો મુખ્ય માર્ગ પર પડ્યો હોવા છતાં સાંજ સુધી કોઈ બેરીકેડ કે ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી, જેના કારણે રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો કે રાહદારીઓ માટે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય વધી ગયો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી કોની રહેશે નગરપાલિકાની આ બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. જો તાત્કાલિક યોગ્ય નિષ્ણાતોની મદદથી આ ભુવાને પૂરવાની અને પાઇપ લીકેજ રિપેર કરવાની કામગીરી નહીં થાય તો આ વિસ્તારમાં ગંભીર પરિણામો આવી શકે છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


