આમોદ : નગરપાલિકાની બેદરકારી, ‘આઈ લવ આમોદ’ સેલ્ફી પોઈન્ટ ગંદકીના ગંજ પર, ખુલ્લી ગટરની ચેમ્બરમાં ડુક્કર પડ્યું

0
57
meetarticle

આમોદ નગરપાલિકાના વહીવટી તંત્રની બેદરકારી અને આડેધડ આયોજનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નગરમાં સ્વચ્છતાના દાવાઓ કરતી નગરપાલિકાએ ‘આઈ લવ આમોદ’ સેલ્ફી પોઈન્ટ ગંદકી અને કાદવથી ખદબદતી જગ્યા પર સ્થાપિત કર્યો છે. આ બાબત માત્ર સ્થાનિકો માટે જ નહીં પરંતુ હાઈવે પરથી પસાર થતા લોકો માટે પણ હાસ્યાસ્પદ અને શરમજનક બની રહી છે. નેશનલ હાઈવે 64 પર જ્યાંથી હજારો વાહનો પસાર થાય છે. તે જગ્યાએ નગરપાલિકાએ ‘આઈ લવ આમોદ’ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. પરંતુ આ પોઈન્ટની આસપાસ ગંદકીના ઢગલા, ઉભરાતી ગટરો અને દુર્ગંધનું સામ્રાજ્ય છવાયેલું છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ છે. આશ્ચર્યની વાત એ છે કે, નગરપાલિકાના સત્તાધીશો નાનામાં નાના કામનો પ્રચાર સોશિયલ મીડિયા પર ફોટા અને વિડીયો દ્વારા કરે છે, પરંતુ આ ‘ગંદકીવાળા’ સેલ્ફી પોઈન્ટનો એક પણ ફોટો વાયરલ થયો નથી, જે તેમની પોતાની જ પોલ ખોલે છે.

તાજેતરમાં જ એક કરુણ અને આશ્ચર્યજનક ઘટના બની છે. ગંદકીના આ પોઈન્ટ પાસે એક ડુક્કર ખુલ્લી પાણીની ચેમ્બરમાં પડી ગયું. લોકોની ચર્ચા મુજબ, આ જગ્યાએ કોઈ સેલ્ફી લેવા ન આવતા, જાણે ડુક્કરે જ ઓપનિંગ કર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાએ નગરપાલિકાની બેદરકારીની હદ દર્શાવી છે. આ અગાઉ પણ, મુખ્ય બજારમાં અતુલ બેકરી પાસે એક નાગરિક ખુલ્લી ગટરની ચેમ્બરમાં પડી જવાની ઘટના બની હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો, છતાં આજે પણ એ ગટર ખુલ્લી જ છે. આ પ્રકારની બેદરકારી જીવલેણ અકસ્માતોનું કારણ બની શકે છે. આમોદના નગરજનોએ સોશિયલ મીડિયા પર આ ગંદકી ભરેલા સેલ્ફી પોઈન્ટ સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. તેઓએ આ બોર્ડને યોગ્ય અને સ્વચ્છ જગ્યાએ ખસેડવાની અપીલ કરી છે, જેથી તે ખરા અર્થમાં નગરનું ગૌરવ બની શકે. જો કે, નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી ‘આઈ લવ આમોદ’ બોર્ડ માત્ર નગરપાલિકાની નિષ્ફળતાનો પ્રતીક બની રહેશે.

સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here