આમોદ-નેશનલ હાઈવે ૬૪ પર રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે, જેના કારણે અકસ્માતોનું જોખમ સતત વધી રહ્યું છે. તાજેતરમાં પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપ સામે જ એક વાહનચાલકે રસ્તા પર રખડતી ગાયને જોરદાર ટક્કર મારી હતી, જેના પરિણામે ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની બેદરકારી અને રખડતા પશુઓના મુદ્દાને સપાટી પર લાવી દીધો છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, ઘણા પશુપાલકો ગાયનો ઉપયોગ ફક્ત દૂધ મેળવવા માટે કરે છે અને જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે તેને રખડતી છોડી મૂકે છે. આ પ્રકારની બેદરકારીને કારણે જાહેર જનતાની સુરક્ષા જોખમાય છે અને મૂંગા પશુઓ પણ અકસ્માતનો ભોગ બને છે. લોકોનો સીધો સવાલ છે કે, જો ગાય માતા દૂધ આપવાનું બંધ કરે, તો તેને પાંજરાપોળ કે ગૌશાળામાં કેમ મોકલવામાં આવતી નથી?
આમોદ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવેલો ઢોર ડબ્બો પણ ફક્ત શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે. શહેરમાં અને નેશનલ હાઈવે પર મોટી સંખ્યામાં રખડતા પશુઓ જોવા મળે છે, જે ટ્રાફિક અને જાહેર સલામતી માટે મોટો ખતરો છે. જો ઢોર ડબ્બો કાર્યરત હોત, તો આવી ઘટનાઓ નિવારી શકાઈ હોત. નગરપાલિકા માત્ર ટેક્સ ઉઘરાવવામાં રસ ધરાવે છે, પરંતુ નાગરિકોની સુખાકારી અને સુરક્ષાની અવગણના કરી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે.
જો ગતરોજના બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત, તો તેનો જવાબદાર કોણ હોત? શું તેનો દોષ વાહનચાલકનો છે? કે પછી રસ્તા પર આવેલી ગાયનો? ખરેખર તો આ ઘટનાઓ માટે જવાબદાર પશુપાલકો અને નિષ્ક્રિય વહીવટી તંત્ર છે. સ્થાનિક લોકોની એક જ અપેક્ષા છે કે તંત્ર પોતાની જવાબદારી સમજે અને તાત્કાલિક કડક પગલાં લઈને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવે, જેથી લોકો અને પશુઓ બંને સુરક્ષિત રહી શકે. જો તાત્કાલિક અને કડક પગલાં લેવામાં ન આવે તો ભવિષ્યમાં આવા અકસ્માતોમાં નિર્દોષ લોકોનો જીવ પણ જઈ શકે છે.


