આમોદ અને જંબુસરને જોડતો ઢાઢર બ્રિજ અત્યંત જર્જરિત અને ભયજનક બન્યો છે. બ્રિજ પર મોટા ખાડાઓ પડ્યા છે અને તેની સપાટી વચ્ચેથી ફાટી ગઈ છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાનો ભય ઊભો કરી રહી છે. આ ભયાનક પરિસ્થિતિ હોવા છતાં, તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.
ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં, તે બેરોકટોક પસાર થઈ રહ્યા છે. તંત્ર દ્વારા લગાવવામાં આવેલા લોખંડના એંગલ પણ તોડી પાડવામાં આવ્યા છે, જે કાયદાનો ભંગ કરતા તત્વોની બેફામતા દર્શાવે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોની અનેક રજૂઆતો છતાં પોલીસ અને વહીવટી તંત્ર કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. પોલીસ ચેકપોસ્ટ પરથી પણ ભારે વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે સેટિંગની શંકા ઊભી થઈ છે.

રોજ હજારો વિદ્યાર્થીઓ, શ્રમિકો અને અન્ય લોકો આ જીવલેણ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. તંત્રની આ ગંભીર બેદરકારી સામે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? પ્રશાસન કોઈ ભયાનક ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું? પ્રજાના જીવને જોખમમાં મૂકતી આ બેદરકારી સામે તાત્કાલિક અને કડક પગલાં ભરવા અનિવાર્ય છે.

