આમોદના ખાડારાજ રોડથી વાહનચાલકો પરેશાન, ટેમ્પો પલટતા મોટું નુકસાન : આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ હવે જીવલેણ બની ગયો છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે ઠેર-ઠેર ખાડા પડ્યા છે, જે છાસવારે અકસ્માતનું કારણ બની રહ્યા છે. તાજેતરમાં આવા જ એક મસમોટા ખાડાને કારણે ૩-વ્હીલ ટેમ્પો પલટી મારી ગયો હતો. જેનાથી ટેમ્પો માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ એકલદોકલ ઘટના નથી. રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૬૪ પર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. પરંતુ તંત્રની આંખો પર જાણે પાટા બંધાયેલા છે. વારંવારની રજૂઆતો, મીડિયાના અહેવાલો અને સ્થાનિકોના રોષ છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે. ખુલ્લા ખાડા, અધૂરા સમારકામ અને ભ્રષ્ટ કામગીરીથી આ રસ્તો વાહનચાલકો માટે ‘મોતનો માર્ગ’ બની ગયો છે. પ્રજાના પૈસાનો દુરુપયોગ કરીને ફક્ત દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવે છે, જેનાથી સમસ્યા હલ થવાને બદલે વધુ ગંભીર બની રહી છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? પ્રજાનો જીવ જોખમમાં મૂકનારા આ ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે? આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને તાત્કાલિક યોગ્ય સમારકામની માંગ ઉઠી છે, જેથી નિર્દોષ વાહનચાલકો અને નાગરિકોના જીવ બચાવી શકાય.
આમોદનો ‘મોતનો હાઈવે’, તંત્રની બેદરકારીએ વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા : આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ આજે ‘મોતનો માર્ગ’ બની ગયો છે. તંત્રની જીવલેણ બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે આ રસ્તા પર મોતનો ખેલ ખેલાઈ રહ્યો છે. ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડા અને ખુલ્લી ગટરો કોઈ પણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે. હાઈવેના સર્વિસ રોડ પર ખુલ્લી ગટરો અને ખાડાઓ એટલા જોખમી છે કે અવારનવાર કાર અને ટેમ્પો જેવા વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
વરસાદી પાણી ભરાઈ જતાં આ ખાડાઓ દેખાતા નથી, જેના કારણે વાહનચાલકો માટે જીવ બચાવવો મુશ્કેલ બન્યો છે. આ રસ્તાની નજીક આવેલી શાળાઓ અને હોસ્પિટલોના કારણે માસૂમ બાળકોના જીવ પણ સતત જોખમમાં છે. સ્થાનિકોને ડર છે કે જો કોઈ બાળક આ ખુલ્લી ગટરમાં પડી જશે તો તેનો જવાબદાર કોણ? શું તંત્રના કુંભકર્ણની નિદ્રામાંથી જાગવા માટે કોઈની જાન જવી જરૂરી છે? મીડિયાના દબાણ બાદ રસ્તાનું સમારકામ શરૂ થયું, પણ તે પણ ભ્રષ્ટાચારથી ભરેલું છે. ચાલુ વરસાદમાં છૂટું મટીરીયલ પાથરીને સરકારી તિજોરી લૂંટાઈ રહી છે. પ્રજાના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે અને તંત્ર ફક્ત આંખ આડા કાન કરી રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. શું આ મામલે કોઈ ઉચ્ચસ્તરીય તપાસ થશે કે પછી પ્રજાએ મોતનો આ માર્ગ સહન કરતા રહેવું પડશે?
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી




