રાજ્યમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોની વચ્ચે એક અમરેલી જિલ્લાની સરકારી શાળાના વિદ્યાર્થીએ અનોખું અને પ્રેરણાદાયી સોલ્યુશન રજૂ કર્યું છે. જિલ્લાના પીઠવડી ગામની શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો જેનીલ નામનો વિદ્યાર્થીએ ‘સ્માર્ટ હેલ્મેટ’ તૈયાર કર્યું છે, જે માર્ગ સલામતી માટે ઉપયોગી બની શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીના જણાવ્યાનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકો બાઈક ચલાવતા સમયે હેલ્મેટ પહેરતા નથી, જેના કારણે અકસ્માતોમાં ગંભીર ઈજાઓ અને મોતની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી જેનીલે એવું સ્માર્ટ હેલ્મેટ તૈયાર કર્યું છે કે જો બાઈક ચાલક હેલ્મેટ ન પહેરે તો બાઈક સ્ટાર્ટ જ નહીં થાય.

આ સ્માર્ટ હેલ્મેટમાં સેન્સર આધારિત સિસ્ટમ લગાવવામાં આવી છે, જે હેલ્મેટ પહેરવામાં આવે ત્યારે જ બાઈકના ઈગ્નિશન સાથે જોડાય છે. ઉપરાંત, વિદ્યાર્થીએ પોતાના પ્રોજેક્ટમાં દારૂ પીને બાઈક ચલાવવાનું અટકાવવા માટે એલ્કોહોલ સેન્સર ઉમેરવાની કલ્પના પણ રજૂ કરી છે. જો ચાલક દારૂના નશામાં હોય તો બાઈક સ્ટાર્ટ નહીં થાય એવી વ્યવસ્થા કરવાની તેની યોજના છે. જો અકસ્માત થાય તો તરત જ 108 ઇમર્જન્સી સેવાને સીધો સંપર્ક થઈ શકે તેવી ટેક્નોલોજી ઉમેરવાનો વિચાર પણ વિદ્યાર્થીએ રજૂ કર્યો છે.
નાની ઉંમરે આટલું મોટું વિઝન ધરાવતા જેનીલનો આ પ્રોજેક્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ બાળ વૈજ્ઞાનિકની કોઠાસૂઝ અને ટેકનોલોજીના ઉપયોગના વખાણ કરી રહ્યા છે. જેનીલના મતે, જો આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે, તો અકસ્માતમાં થતા મૃત્યુના દરમાં મોટો ઘટાડો લાવી શકાય તેમ છે.
