આઝાદીના 75 વર્ષ પછી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામથી અંદાજે એક-દોઢ કિલોમીટર દૂર આવેલા ‘વાડ’ વિસ્તારમાં આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. 70થી 75 વર્ષથી અંધકારમાં જીવન જીવતા આ વિસ્તારના 15 જેટલા પરિવારોના ઘરોમાં આખરે વીજળી પહોંચી છે, જેનાથી દીવા-ફાનસના સહારે જીવતા ઘરોમાં રોશનીનો જગમગાટ થયો છે.
વર્ષોથી દીવા, ફાનસ અને સોલાર લાઇટના સહારે જીવન પસાર કરતા આ પરિવારોના ઘરોમાં જ્યારે વીજળીના બલ્બ પ્રગટ્યા, ત્યારે લોકોના ચહેરા પર અણમોલ ખુશી જોવા મળી હતી અને તેમણે ‘સોનાનો સૂરજ ઊગ્યો’ હોવાનો અહેસાસ કર્યો હતો. નોંધનીય છે કે, રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરિયાના સતત પ્રયત્નોના પરિણામે આ વિસ્તારમાં વીજ પ્રકાશ પહોંચ્યો છે.
સ્થાનીક હરિભાઈ મકવાણાએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘અહીં રહેતા કોઈએ પોતાના ઘરમાં ક્યારેય વીજળી જોઈ નહોતી. આજે 75 વર્ષ પછી અમારા નિવાસસ્થાને વીજળી આવી છે. હવે બાળકો રાત્રિના સમયે શાંતિથી અભ્યાસ કરી શકશે. આ વિસ્તાર વન્યપ્રાણી પ્રભાવિત હોવાથી અંધારામાં ડર લાગતો હતો, પરંતુ હવે વીજળીના અજવાળે સુરક્ષાની લાગણી પણ વધશે.’

નવનિયુક્ત ઊર્જામંત્રી કૌશિક વેકરિયા પોતે સુડાવડ ગામના આ વાડ વિસ્તારમાં પહોંચ્યા હતા અને વીજળી મેળવેલા ઘરોની મુલાકાત લીધી હતી. સુડાવડ વાસીઓએ સામૈયા કરીને મંત્રી કૌશિક વેકરિયાને ઉમળકાભેર વધાવ્યા હતા.
રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે, ‘PGVCL વિભાગ દ્વારા જ્યોતિગ્રામના થાંભલાઓ નાખીને વીજળી પહોંચાડાઈ છે, જે વિકાસની નવી કંડારવાનું કાર્ય છે. જે ઘરોમાં ફાનસ પ્રગટતા ત્યાં હવે પંખાઓ, લાઇટ અને ટીવી શરૂ થવાની ખુશી લોકોએ વ્યક્ત કરી હતી.’
સુડાવડ ગામના સરપંચ પ્રવીણભાઈ આસોદરિયાએ જણાવ્યું કે, ‘છેલ્લા એક વર્ષથી સતત મહેનત કરીને PGVCL તથા સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને સતત ફોલોઅપ કરાયો હતો. જૂનાગઢ PGVCLના કાર્યપાલક ઇજનેર કે.બી.પટેલે માહિતી આપી કે, 15 ઘરોમાં વીજજોડાણ આપી દેવામાં આવ્યા છે અને ડોક્યુમેન્ટેશનમાં લાગતા સમયને કારણે હાલમાં તેમને જ્યોતિગ્રામ યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવી છે. વર્ષોની વેદના બાદ સુડાવડના આ વિસ્તારમાં હવે સાચા અર્થમાં વિકાસનો પ્રકાશ પહોંચ્યો છે.’
