અમરેલી જીલ્લામાં છેલ્લા 6 માસમાં 31 સિંહોના મોત થયા છે. જેમાં 14 સિંહબાળ અને 17 સિંહ સામેલ હતા. કુલ 31માંથી માત્ર 3 સિંહોના જ કુદરતી મોત છે, તે સિવાય તમામ સિંહોના મોત ગંભીર બિમારી સબબ થયા હોવાનું વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

સિંહોમાં પણ અનેક પ્રકારની બિમારીઓ સામે આવી રહી છે. વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ માત્ર અમરેલી જીલ્લામાં જ છ મહિનામાં મલ્ટીપલ ઓર્ગન ફઈલ્યોરના કારણે પાંચ સિંહબાળ અને છ સિંહના મોત નીપજ્યા છે. ન્યુમોનીયા, એનેમિયા અને એનોક્સિયા, સેપ્ટેસીમીયાના કારણે પાંચ સિંહ બાળના અને ચાર સિંહના મોત થયા છે. શ્વસન, યકૃત અને મુત્રપીંડ નિષ્ફળતાના કારણે બે સિંહબાળ અને ચાર સિંહના મોત થયા છે. કરોડરજ્જુમાં ઈજા પહોંચતા આઘાતથી એક સિંહબાળ, એનાપ્લાસમોસીસથી એક અને ત્રણ સિંહના કુદરતી મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બિમારીઓને અટકાવવા માટે સિંહોને ડી-વોર્મિંગ તથા ડી-ટીકિંગ કરવામાં આવે છે તથા સિંહોને પ્રિવેન્ટીવ ડોઝ આપવામાં આવે છે. અભયારણ્ય વિસ્તારમાં આવતા નેસ તથા આસપાસના રેવન્યુ ગામના માલઢોરને રસીકરણ કરવામાં આવે છે. સિંહોના બ્લડ એકત્ર કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
થોડા સમય પહેલા અમરેલી જીલ્લામાં સિંહોના મોતની ઘટનાએ ચકચાર જગાવી હતી. સમગ્ર વન વિભાગની ટીમ, વનમંત્રી સહિતનાઓએ સિંહોના અકુદરતી મોત અંગે ખુલાસા કરવા પડયા હતા. સિંહોમાં સીડીવી જેવી ગંભીર બિમારી અંગે પણ સવાલો ઉઠયા હતા પરંતુ વનતંત્રએ જાહેર કરેલી બિમારી મુજબ સિંહોના સીડીવીના કારણે મોત થયાનું સામે આવ્યું નથી. સિંહોમાં આવી બિમારી અટકાવવા માટે અનેક પ્રકારની કામગીરી થતી હોવાના દાવાઓ વચ્ચે દર વખતે આજ બિમારીના કારણે સિંહોના મોતની સંખ્યા વધતી જાય છે.

