AMRELI : રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ

0
28
meetarticle

રાજયના જુદા જુદા જિલ્લામાં મુકામ કરીને સાચા સોનાનાં નામે નકલી હાર વેચીને નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા ચીટર ગેંગના ત્રણ સભ્યોને રાજુલા પોલીસે અમદાવાદથી પકડી પાડયા છે. આ શખ્સોએ રાજુલામાં રૂા.ચાર લાખની છેતરપિંડી ઉપરાંત અમદાવાદ, ગોધરા, રાજસ્થાનમાં પણ ઠગાઈ કરી હોવાનું ખુલ્યું છે.

મૂળ બનાસકાંઠા વિસ્તારની આ ગેંગની છેતરવાની રસમ એવી હતી કે ઓટો રિક્ષા લઈને અલગ અલગ શહેરોમાં પડતર જગ્યામાં ઝૂંપડાઓ બાંધી મુકામ કરતા હતા. અને પ્લાસ્ટીકના ફૂલો વેચવા નીકળતા હતા, આ વખતે એમ કહેતા હતા અમે આ ધંધા ઉપરાંત ખાડા ખોદવાનું પણ કામ કરીએ છીએ. તાજેતરમાં એક જગ્યાએ ખાડો ખોદતી વખતે અમોને સોનાના દાગીના દાટેલા મળી આવ્યા છે. એ દાગીના અમારે સસ્તા ભાવે વેચવા છે. આમ કહેતા સસ્તા સોનાની લાલચમાં કેટલાક લપેટાઈ જતાં હતા.એ પછી ગ્રાહકને દ્રઢ વિશ્વાસ બેસાડવા માટે સાનાની બે કડીઓ આપી સોનીને બતાવી આવો એમ કહેતા હતા જેથી ખરીદવા ઈચ્છુક સોનીને કડી બતાવી અને ચોકસાઈ કરતા હતા કે આ સાચા સોનાની છે. એ કડી ઉપરથી બધા દાગીના સાચા સોનાના જ હોય એમ માની લેેતા હતા અને શીશામાં ઉતરી જતાં હતા. જેવો ગ્રાહક લેવા તૈયાર થઈ જાય કે તુરતજ એને સોનાના નામે ખોટો હાર આપી મોટી રકમ પડાવી લેતા હતા અને રિક્ષા લઈને શહેર બદલાવી નાખતા હતા. આ શખ્સોએ રાજુલામાં એક વેપારી સાથે ઠગાઈ કરી હતી, જેમાં દસ લાખનો હાર રૂા.ચાર લાખમાં આપવાનું કહીને નકલી હાર આપી દીધો હતો. આથી રાજુલા પોલીસે સર્વેલન્સ ટીમને કાર્યરત કરી અમદાવાદના નહેરૂનગરમાં રહેતા અર્જુનભાઈ પૂનમભાઈ મારવાડી , નરેશભાઈ પૂનમભાઈ મારવાડી અને રણછોડ ઉર્ફે બાંકિયો રામાભાઈ મારવાડીની ધરપકડ કરી હતી.

આ શખ્સો પાસેથી રૂા.૩.૩૭ લાખ રોકડા, રૂા.૧.૧૫ લાખની રિક્ષા, એક સાદો મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૪,૫૨,૫૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે. આ શખ્સોએ રાજુલાની સ્ટાઈલથી અમદાવાદ, વાસણા રાજસ્થાનના ભીમાર, ગોધરાના શહેરામાં પણ ચીટિંગ કર્યાની કબૂલાત આપી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here