રુપિયા છ હજાર કરોડના દેવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના લોનના બોજા હેઠળ દોડાવાઈ રહેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ૨૨૫ ઈલેકટ્રિક બસ માટે પ્રતિ કિલોમીટર રુપિયા ૯૪ એરો ઈગલ નામની એજન્સીને ચૂકવશે.દેશભરમાં ઈલેકટ્રિક બસ માટેના સૌથી ઉંચા ભાવ ચૂકવાશે.૨૨૫ ઈલેકટ્રીક બસ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સથી ચલાવવા આપશે.આ અંગેનુ ટેન્ડર મંજુર કરી દેવાયુ છે. એ.એમ.ટી.એસ.ની આગામી કમિટી બેઠકમાં આ અંગેની દરખાસ્ત મંજુરી માટે મુકાશે.૨૨૫ બસ સામે માત્ર ૩૫ બસ સપ્લાયનો જ અનુભવ માંગવામાં આવ્યો હતો.
દેવુ કરીને બસ ચલાવવી એવી માનસિકતા ધરાવતા મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા ૨૨૫ ઈલેકટ્રિક બસ લેવાના નામે એ.એમ.ટી.એસ.ને વધુ દેવામાં ધકેલવાનો કારસો ઘડી કાઢયો છે.ચાર મહીના પહેલા કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લીમીટેડના ગુજરાતના ટેન્ડરમાં ૯ મીટર લંબાઈ ધરાવતીબસનો ભાવ પ્રતિ કિલોમીટર ૬૫.૫ રુપિયા આવ્યો હતો.મધ્યપ્રદેશમાં રુપિયા ૫૮.૧, મહારાષ્ટ્રમાં ૬૯.૦૫, રાજસ્થાનમાં રુપિયા ૬૦.૦૯, હરીયાણામા ૬૫ રુપિયા પ્રતિ કિલોમીટર ભાવ આવ્યો હતો.આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં રુપિયા ૬૨.૨, ઉત્તરાખંડમાં રુપિયા ૫૭.૬, પોંડીચરીમાં રુપિયા ૬૩.૯, છત્તીસગઢમાં રુપિયા ૬૨,લડાખમાં રુપિયા ૭૧, મેઘાલયમાં રુપિયા ૬૫ તેમજ બિહારમાં રુપિયા ૬૨.૭, પંજાબમાં રુપિયા ૬૫.૯ તેમજ જનમાર્ગ દ્વારા છ મહીના પહેલા કરવામા આવેલા ૧૨ મીટર લંબાઈ ધરાવતી બસનો પ્રતિ કિલોમીટર રુપિયા ૭૨ ભાવ આવ્યો હતો. આ તમામ કરતા ઉંચા ભાવ આપવામા આવ્યા છે.પ્રાપ્ત માહીતી મુજબ, જે એજન્સીને ૨૨૫ ઈલેકટ્રિક બસ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સથી ચલાવવા આપશે.એ એજન્સી હમણા બે વર્ષથી જ અસ્તિત્વમાં આવી છે.વકરો ઓછો આવવા સહીતની અન્ય પેનલ્ટી માત્ર દસ ટકામા સમાવી લેવામાં આવી છે.એ.એમ.ટી.એસ.ને માથે મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વધતુ જતુ જંગી દેવુ જોઈ એક સમયે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર સ્વ.ગુરુપ્રસાદ મોહપાત્રાએ ત્યાં સુધી કીધુ હતુ કે, શા માટે ચલાવો છો? તાળા મારી દો સંસ્થાને.


