અંકલેશ્વર GIDC પોલીસે પાનોલી GIDCમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની આડમાં વિદેશી દારૂની હેરાફેરીના મોટા પ્રકરણમાં ફરાર મુખ્ય આરોપી પૃથ્વીરાજ હીરાલાલ કલાલની ધરપકડ કરી છે.

આ કેસની વિગતો અનુસાર, ગત ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ એલસીબી પોલીસે પાનોલી GIDC પાસે એક કન્ટેનરમાંથી રૂ. ૧૫,૨૭,૪૨૦ નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. કન્ટેનરમાં ટીવી, ફ્રિજ, કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં ૪૬૨૯ દારૂની બોટલો અને બિયરના ટીન છુપાવવામાં આવ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં કુલ રૂ. ૬૮,૪૭,૪૮૪ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ગુનામાં અગાઉ કન્ટેનર ચાલક સંતોષ સોહનલાલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ અંકલેશ્વર GIDC પોલીસને સોંપવામાં આવતા, પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી પૃથ્વીરાજ હીરાલાલ કલાલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડ સાથે આંતરરાજ્ય દારૂની હેરાફેરીના આ રેકેટનો પર્દાફાશ થયો છે.

