અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે ૪૮ પર પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈના અકસ્માત અને મૃત્યુના વણશોધાયેલા ગુનાને ઉકેલ્યો છે. ફરજ પરના પોલીસકર્મીને ટક્કર મારી મોત નીપજાવી નાસી છૂટેલા ટ્રક ચાલકની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે.

ગઈ તા. ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ, અમરતપરા ગામના પાટિયા સામે ને.હા.નં. ૪૮ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી એલ.આર. પો.કો. અરવિંદભાઈને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં પોલીસકર્મીને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ તેમનું કરૂણ મૃત્યુ થયું હતું, અને વાહન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે સી.સી.ટી.વી. ફૂટેજની ચકાસણી અને બાતમીના આધારે અકસ્માત કરનાર ટ્રક (નંબર: RJ-14-GL-1753) ની ઓળખ કરી હતી. બાતમીના આધારે ટ્રક ચાલકને હરિયાણા ખાતેથી શોધી કાઢવામાં આવ્યો હતો. ચોક્કસ પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિથી ડ્રાઈવરે પોતાના ગુનાની કબૂલાત કરી હતી.
પોલીસે પકડાયેલ આરોપી અનવર S/O યુનુસ મકુલ (ઉ.વ. ૨૩, રહે. તીયા પટ્ટી મેયોલી ગામ, તા.જી. નુહ, હરિયાણા)ની કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

