અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા અગિયાર મહિનાથી વોન્ટેડ જાહેર થયેલા મુખ્ય બૂટલેગરની આખરે ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને દબોચી લીધો છે.

આ કેસ ગત ૪ જાન્યુઆરી, ૨૦૨૫નો છે, જ્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે અંકલેશ્વરના તરિયા ગામ તરફ જતા નર્મદા નદીના કિનારેથી ઓચિંતી કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી વિદેશી દારૂની કુલ ૪,૯૧૭ નંગ બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત આશરે ₹ ૯ લાખ થવા જાય છે. દારૂ અને ₹ ૩ લાખની કિંમતના ટેમ્પો સહિત પોલીસે કુલ ₹ ૧૨.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ દારૂના જથ્થા સાથે સંકળાયેલા મુખ્ય આરોપી અને માટીએડ ગામના રહેવાસી ચિંતન અકન વસાવા અને ટેમ્પો ચાલકને પોલીસે તે સમયે વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ આ કેસમાં વોન્ટેડ આરોપીઓની સઘન શોધખોળ કરી રહી હતી.
આખરે, અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન એક્ટના આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય વોન્ટેડ બૂટલેગર ચિંતન વસાવાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
