અંક્લેશ્વરના હાંસોટ રોડ પર આવેલા એક મસાજ સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. AHTU (Anti-Human Trafficking Unit) ભરૂચની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક મહિલા સંચાલિકાને ઝડપી પાડી છે.

પોલીસને બાતમી મળી હતી કે અંક્લેશ્વર, હાંસોટ રોડ પર આવેલા તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલા “ક્વીન ફેબ ફેમિલિ થાઇ સ્પા”માં મસાજની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે એક ડમી ગ્રાહકને મોકલીને રેડ કરી હતી. રેડ દરમિયાન, સ્પામાંથી એક યુવતી અને સ્પાની સંચાલિકા નીલમ સંજય રાણા (ઉ.વ. ૪૩, મૂળ રહે. દિલ્હી) હાજર મળી આવી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી બે મોબાઈલ ફોન, રોકડ રૂ. ૭,૩૧૦/- અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૧૪,૮૧૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ મામલે અંક્લેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંચાલિકા નીલમ રાણા અને સ્પાના માલિક સોયેબ અબ્દુલ ફારૂક વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્પા માલિક સોયેબ ફારૂક હાલ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

