અંકલેશ્વર GIDC વિસ્તારમાં બગીચા માટે નિર્ધારિત કરવામાં આવેલી જગ્યા પર શાકભાજી માર્કેટ સ્થાપવાના નિર્ણય સામે સ્થાનિક રહીશોએ રણશિંગું ફૂંક્યું છે. રંગમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ નોટિફાઇડ એરિયાની કચેરી ખાતે થાળી-વેલણ વગાડી અને રામધૂન બોલાવીને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રહીશોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, અગાઉ આ ખુલ્લી જમીન પર બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે બગીચો બનાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે ત્યાં શાકમાર્કેટ બનાવવાથી વિસ્તારમાં ગંદકી, ટ્રાફિક જામ, અવાજનું પ્રદૂષણ અને સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા થશે. સ્થાનિકોએ આ નિર્ણય તાત્કાલિક મોકૂફ રાખવાની માંગ કરી છે. આ મામલે ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ રહીશોની લેખિત રજૂઆત સ્વીકારી ચીફ ઓફિસર સાથે પરામર્શ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

