અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા બનાવતી વોકહાર્ટ કંપનીમાં પગાર વધારાના મુદ્દે કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ગતરોજ, કામદારોએ પગાર વધારા અને અન્ય લાભોની માગણી સાથે કંપનીના ગેટ પર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનના જવાબમાં, કંપની મેનેજમેન્ટે બાઉન્સરો ગોઠવીને કામદારોને પ્રવેશતા અટકાવ્યા હતા.

કામદારોનો આક્ષેપ છે કે, ૫૨ મહિનાથી પગાર વધારા અંગે વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ કંપનીએ કોઈ નોટિસ વગર તેમને અંદર જતા રોક્યા. બીજી તરફ, મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે કામદારો ગેરકાયદેસર હડતાળ પર ઉતર્યા છે અને જ્યાં સુધી તેઓ બાંહેધરીપત્ર નહીં આપે ત્યાં સુધી તેમને ફેક્ટરીમાં પ્રવેશ મળશે નહીં.
કંપની મેનેજમેન્ટે એક પત્ર દ્વારા જણાવ્યું છે કે, કામદારોના ગેરવર્તનને કારણે ઉત્પાદન પર અસર થઈ રહી છે, તેથી સામૂહિક રીતે બાંહેધરીપત્ર આપ્યા બાદ જ તેમને પ્રવેશ અપાશે. આ ઘટનાથી બંને પક્ષો વચ્ચે ગતિરોધ સર્જાયો છે, જેના સમાધાન માટે વાટાઘાટો ચાલી રહી છે.
