પાનોલી પોલીસે બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં ચાર ટ્રક અને કન્ટેનરમાં ક્રૂરતાપૂર્વક ભરેલા 80 પશુઓને મોતની મુખમાંથી બચાવી લીધા છે. આ મામલે પોલીસે વાહનો સહિત કુલ ₹40.60 લાખની મતા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર માહિતી મુજબ, પાનોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર પશુઓનું ગેરકાયદેસર વહન થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સન્માન હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલા ચાર વાહનોની તલાસી લીધી હતી. આ વાહનોમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત ખીચોખીચ અને નિર્દયતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા.
પોલીસે પંચોની હાજરીમાં તમામ પશુઓને મુક્ત કરાવી સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે. આ સફળ ઓપરેશનમાં પોલીસે પશુઓ અને વાહનો મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ટ્રક ચાલકો અને ક્લીનરોની અટકાયત કરી છે અને આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

