મન એટલે દિલ, દલડું, ચિત, ચિતડું, ઉર, હૃદય, હૈયું, અંતઃકરણ વિગેરે શબ્દો મૂકી શકાય તો બીજી બાજુ બુદ્ધિ એટલે પ્રજ્ઞા, મેધા, મતિ, અક્કલ, દક્ષતા વિગેરે શબ્દો મૂકી શકાય. મન અને બુદ્ધિનો ક્યારેય સમન્વય થાય નહીં, કારણકે મન અને બુદ્ધિ બન્ને અલગ બાબત છે. મન ક્યારેય વિવેકથી કે સંયમથી કામ લેતું નથી, જ્યારે બુદ્ધિ વિવેક, ડહાપણ તથા શાણપણથી કામ લે છે.
મનને કવિઓએ માંકડા સાથે સરખાવ્યું છે, કેમકે, જેમ માંકડું (મર્કટ) કદીપણ એક જગાએ સ્થિર થઈને બેસતું નથી અને આમતેમ કૂદયા કરે છે. એવી રીતે મન પણ ક્યારેય એક જગાએ સ્થિર થઈને બેસતું નથી.
મનમાં હરદમ દરિયાનાં મોજાં જેવાં તરંગો ઉઠતાં જ હોય છે. બીજી તરફ બુદ્ધિમાં વિચારોનાં ઘોડા દોડતાં જ રહે છે. મન માટે એક કવિએ લખ્યું છે કે ” મન ચંચળ, મન ચોર, મનના ગુલામ ના બનીએ, મન છે હરાયું ઢોર”. મતલબ કે આપણું મન ઘણું ચંચળ છે એટલે એને હરાયા ઢોરની ઉપમા આપી છે. જેમ હરાયા ઢોર ઉપર કોઈનો કાબુ કે અંકુશ હોતો નથી અને ઈચ્છા ફાવે એમ કરે છે અને ગમે ત્યાં ભટક્યા કરે છે. એજ રીતે મન ઉપર કોઈનો કાબુ હોતો નથી. મન ભટકતાં સહેજ પણ વાર લાગતી નથી, પરંતુ અમુક સમયે બુદ્ધિ મન ઉપર બ્રેક લગાવવાનું કામ કરે છે.મનને દર્પણ સાથે પણ સરખાવવામાં આવે છે. જેમ દર્પણ એની સામે ઉભેલી વ્યક્તિનો જેવો છે એવો ચહેરો બતાવે છે એવી રીતે મન સામી વ્યક્તિને તરત ઓળખી જાય છે માટે જ સાહિર લુધિયાનવી નામના શાયરે કાજલ ફિલ્મના એક ગીતમાં લખ્યું છે કે ” તોરા મન દરપન કહેવાયે, ભલે બૂરે સારે કર્મો કો દેખે ઔર દીખાયે”. મનને મક્કમ અને મજબૂત કરી શકાય છે. મનને હંમેશા સુખ તથા દુ:ખ બન્નેનો અહેસાસ થાય છે, જ્યારે બુદ્ધિને એવો કોઈ અહેસાસ થતો નથી. મન હંમેશા લાલચું અને લોભી હોય છે, ક્યારેક કોઈ સુંદર સ્ત્રીને જોઈને મન લલચાઈ કે લોભાઈ જાય છે, જ્યારે બુદ્ધિ સંયમથી વર્તે છે અને વિવેકથી વિચારે છે કે આપણાંથી આવું કૃત્ય ન થાય. મનનાં પગમાં બેડીઓ પહેરાવવી મુશ્કેલ છે, પરંતુ બુદ્ધિનો કેવો અને કેટલો ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે. બુદ્ધિ ઉપર કોઈનો ઈજારો નથી. બુધ્ધિથી હારેલી બાજી પણ જીતમાં ફેરવી શકાય છે. બુદ્ધિ હંમેશા સ્થિર રહે છે અને મન હંમેશા ભટકતું રહે છે. મનને સેલ્સમેન સાથે સરખાવવામાં આવે છે. જેમ એક સેલ્સમેન પોતાની દરેક પ્રોડક્ટ્સ સારી અને સસ્તી છે એવું ગ્રાહકના મનમાં ઠસાવવાનો સતત પ્રયત્ન કરે છે અને ક્યારેય એવું નહીં કહે કે અમારી પ્રોડક્ટ્સ સારી નથી. મનનું પણ એવું જ છે એને બધું સારું જ લાગે છે. પરંતુ બુદ્ધિ સતત વિચારશક્તિ, વિવેક અને નિર્ણયશક્તિ ઉપર કામ કરે છે. કોઈ કામ આપણે શરૂ કરવું હોય તો સૌ પ્રથમ મનમાં નક્કી થાય છે અને એના ઉપર આગળ કેવી રીતે વર્તવું એ બુદ્ધિ નક્કી કરે છે. આપણે બજારમાં કોઈ વેપારી પાસે માલ ખરીદવા જઈએ છીએ ત્યાં વેપારી આપણને દશ જાતનો માલ બતાવશે અને મન એ વસ્તુઓ લેવા માટે લલચાઈ જશે, પરંતુ અહીં બુદ્ધિ નિર્ણયશક્તિ અને તર્ક લગાવશે કે આ વસ્તુ લેવા જેવી છે કે નહીં, આ વસ્તુ મારા ખિસ્સાને પોષાશે કે નહીં પછી જ વસ્તુઓ ખરીદવા પ્રેરાશે. માટે બુદ્ધિ મન કરતાં ચડિયાતી સાબિત થાય છે. મન કરતાં બુધ્ધિ શ્રેષ્ઠ છે. અકબર બાદશાહનો સૌથી મહત્વનો અને માનીતો, નવરત્નમાં સ્થાન પામેલો બિરબલ બહું ભણેલો નહોતો, પરંતુ એની પાસે તાર્કિક શક્તિ અને બુદ્ધિ ચાતુર્ય હતું એથી એ ગમે તેવાં ગૂઢ રહસ્યો અને ગૂઢ સમસ્યાઓ સહેલાઈથી ઉકેલી શકતો હતો. મન તો દરેક મનુષ્ય પાસે હોય છે, પરંતુ દરેક વ્યક્તિમાં બુદ્ધિ ચાતુર્ય હોતું નથી.જે વ્યક્તિ પાસે બુદ્ધિ નથી એ વ્યક્તિ ક્યારેય આગળ આવી શકતો નથી. એક કહેવત છે કે ” મન હોય તો માળવે જવાય”. આનો ભેદ તમે સમજો, મન માળવા જવાનું નક્કી કરી શકે છે, પરંતુ માળવા કઈ રીતે પહોંચવું, કયા રસ્તે જવું વિગેરે બુદ્ધિ નક્કી કરે છે. જગતમાં જેટલાં ઉદ્યોગપતિઓ, કારખાનેદારો, વૈજ્ઞાનિકો, રાજા મહારાજાઓ કે નામાંકિત વ્યક્તિઓ થયી ગયાં તે કેવળ ને કેવળ બુદ્ધિ ચાતુર્યના પ્રતાપે જ પોતાનું નામ કરી ગયાં છે. ઈશ્વરે આપણને દરેક વસ્તુઓ એક સરખી અને યોગ્ય રીતે ફીટ કરીને આપી છે. આથી મન તથા બુદ્ધિનો સમન્વય એકબીજા સાથે થઈ શકતો નથી.

યોગેશભાઈ આર જોશી
લેખક.

