25 મી જાન્યુઆરીએ નર્મદા જયંતિ છે.જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય એવી નર્મદાનું આ દિવસે શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક પૂજન કરે છે.જે તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પવિત્ર નર્મદા નદી નર્મદા મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળે છે અને ગુજરાતમાંથી વહેતાં પછી અરબી સમુદ્રને મળે છે.હિન્દુ કેલેન્ડર મુજબ, માહ મહિનામાં સુદ સાતમ ના દિવસે દર વર્ષે નર્મદા જયંતી મનાવવામાં આવે છે. આ પર્વ પવિત્ર નર્મદા નદીને સમર્પિત છ
નર્મદા નદી વિષે કેટલીક રસપ્રદ વાતો:-
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા–યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે.
નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે
નર્મદા નદીનું મહાત્મ્ય:-
નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે.નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે.હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા ૭ કલ્પોથી વહે છે.
આ નદી છોટા છોટા ઉદેપુર જિલ્લાના હાંફ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે.કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.
નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી.ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો.નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રાળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે.
જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમના યાત્રાના વર્ણનો પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે.નર્મદા નદી સંશોધન માટે પણ મહત્વની છે. તેની ખીણમાંથી રાજાસોરસ નામનાં ડાયનાસોરનાં અવશેષો મળી આવેલાં છે.હિન્દુ કેલેન્ડર મુજબ, નર્મદાનો જન્મ મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીમાં થયો હતો. આ વખતે નર્મદા જયંતિ 25 મી જાન્યુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે. રામાયણથી લઈને મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં નર્મદા નદીનું વર્ણન જોવા મળે છે. એક એવી માન્યતા છે કે સ્વયંમ સિધ્ધીદાયીની માઁ નર્મદા મૈયા મહાસૂદ સાતમનાં દિને પૃથ્વી પર પ્રગટ થયાં. એટલે આ દિને મોટી સંખ્યામાં ભાવિકો નર્મદા નદીમાં સ્નાન કરવા માટે આવે છે.
માતા નર્મદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ?:-
એકવાર ભગવાન શિવ તપસ્યા કરવા માટે મૈકલ પર્વત પહોંચ્યા, જે છત્તીસગઢમાં છે. તપ દરમિયાન, તેમના પરસેવાના ટીપાથી આ પર્વત પર કુંડ તૈયાર થઈ ગયું. આ કુંડમાં એક છોકરીનો જન્મ થયો. ભોલેનાથના આદેશ અનુસાર તે છોકરી જેમને આપણે નર્મદા નદીના નામે જાણીએ છીએ, દેશના એક મોટા ભાગમાં પ્રવાહિત થવા લાગી. તે રવ (અવાજ) કરતા વહેવા લાગી અને તેથી તે રેવા નામથી પણ ઓળખાય છે. મૈકલ પર્વતમાંથી નીકળતી હોવાથી તેનું નામ મૈકલ સુતા પણ રાખવામાં આવ્યું.
એક બીજી કથા પણ પ્રચલિત છે.જેમાં ચંદ્ર વંશનો એક રાજા હતો હિરણ્યતેજ, તેમને તેમના પૂર્વજોનું તર્પણ કરતા દરમિયાન સમજાયું કે તેમના પૂર્વજ અતૃપ્ત છે. પછી તેમણે ભગવાન શિવની ઉપાસના કરવાનું નક્કી કર્યું. તેમની તપસ્યાના ફળ સ્વરૂપ વરદાન તરીકે નર્મદા પૃથ્વી પર અવતરિત થઇ. ભગવાન શિવએ લોકોના કલ્યાણ માટે ધરતી પર આવેલી નર્મદાને વરદાન આપ્યું હતું કે તેમના દર્શનથી જ મનુષ્યને પુણ્ય મળશે. આ કારણોસર નર્મદા જયંતીનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.
ધાર્મિક ગ્રંથોમાં નર્મદા નદીનું વર્ણન :-
ધાર્મિક ગ્રંથો અનુસાર નર્મદા નદી પ્રલય દરમિયાન પણ શાંત રહે છે અને તેના દર્શનથી જ લોકોનો ઉદ્ધાર થઇ જાય છે. તે દેશની પાંચ મોટી અને સાત પવિત્ર નદીઓની યાદીમાં સામેલ છે. ગંગા, યમુના, સરસ્વતીની સમાન નર્મદાનું મહત્વ છે. મહર્ષિ માર્કન્ડેય અનુસાર નર્મદાના કણ કણમાં ભગવાન શિવ છે. તેમાં સ્નાન, પાણીનો સ્પર્શ કરવો અથવા માત્ર દર્શનથી જ પુણ્ય મળે છે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એ ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે. આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ એક મહિના દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે.હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે.
આદ્ય શંકરાચાર્યજી રચિત નર્મદાષ્ટકમાં નર્મદા નદી માટે કહ્યું છે કે પવિત્ર નર્મદા નદીના દર્શનમાત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે. આવું ધાર્મિક મહત્વ ધરાવતી પૂણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડાત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે. પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમ જ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે ૨૨ કિલોમીટર જેટલા અંતરની થાય છે, જેમાં બે વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે. આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવી શ્રધ્ધાળુઓની માન્યતા છે.
લેખક :દીપક જગતાપ

