ARTICLE : “પરીક્ષા : ડર કે આગે જીત હૈ”

0
20
meetarticle

પરીક્ષા એ જંગનું મેદાન નથી, પણ તમારી આવડતનું પ્રદર્શન કરવાનું એક મંચ છે. મગજમાંથી નકારાત્મક અને નકામા વિચારો કાઢી દઈને શાંત અને એકાગ્ર ચિત્તે પરીક્ષા આપો. યાદ રાખો કે એક વખત તમે સફળ થઈ જશો તો દુનિયા ક્યારેય તમારી માર્કશીટ કે ડિગ્રી જોવા નહીં માંગે, તે માત્ર તમારી કાબેલિયત જોશે.

જન્મ, લગ્ન અને મૃત્યુની જેમ ‘પરીક્ષા’ પણ માનવ જીવનમાં આવતી એક અનિવાર્ય ઘટના છે. માણસનો ડર સાથેનો સૌપ્રથમ પરિચય પરીક્ષા મારફતે થાય છે. જીવનમાં ડગલે અને પગલે પરીક્ષાઓ છે! દર વખતે સૌ કોઈ કહે છે કે ‘આટલી પરીક્ષા પાસ કરી લે પછી જિંદગીભર જલસા’, પણ હકીકતમાં પરીક્ષાચક્ર અને જીવનચક્ર એકબીજાને સમાંતર ચાલે છે. શાળાઓથી માંડીને નોકરીના પ્રમોશન કે વિદેશ જવાના પાસપોર્ટ સુધી, પરીક્ષાઓ આપ્યા વિના છૂટકો જ નથી. ધીમે ધીમે પરીક્ષાઓ વચ્ચેની ખાલી જગ્યામાં જિંદગી જીવવાની આપણને આદત પડી જાય છે.

હારની બીક રાખીને લડશો તો હાર નક્કી છે, પણ જીતની આશા સાથે લડશો તો મેદાન તમારું જ છે.

મેદાનમાં ઉતરતાં પહેલાં જ જંગ હારી જવાનો સંશય અને બીક એ યોદ્ધાની તાકાત અડધી કરી નાંખે છે. ક્રિકેટમાં વધુ પડતું ડિફેન્સિવ રમનાર ખેલાડી મોટાભાગે જાતે જ ભૂલ કરીને વિકેટ આપી દે છે. અકસ્માત થઈ જશે તેવો ડર રાખીને ગાડી ચલાવનાર ડ્રાઈવર અકસ્માત થવાની શક્યતા વધારે છે. પરીક્ષા પણ માણસની શક્તિ અને સમજ શક્તિની ચકાસણી માત્ર છે. સફળતાની વધુ પડતી અપેક્ષા મનમાં ચિંતા અને ડરને જન્મ આપે છે, પણ હકીકતમાં પરીક્ષાના લીધે માણસની રસ-રુચિ અને ક્ષમતા કયા પ્રવાહ તરફ છે તેનો માત્ર અંદાજ મળે છે.

સ્વસ્થ તન અને સ્વસ્થ મન એ જ સફળતાની ચાવી છે.

દરેક વ્યક્તિ ભણવામાં હોશિયાર હોય તે જરૂરી નથી. જ્યારે સમાજ અને વાલીઓ દ્વારા ગમે તે ભોગે ઉત્તમ પરિણામ લાવવાનું પ્રેસર બનાવાય છે, ત્યાંથી જ બધી ગરબડ શરૂ થાય છે. સૌ કોઈને એક ત્રાજવે તોળવાની ટેવ વિદ્યાર્થીના મન પર અવળી અસર પેદા કરે છે. બની શકે કે વિદ્યાર્થીની રસ-રુચિ ભણવાના બદલે અન્ય કોઈ ક્ષેત્રમાં હોય. યાદ રાખો, કાગળ પરના ગુણ તમારું ભવિષ્ય નક્કી નથી કરતા, પણ તમારી મહેનત કરવાની દાનત ચોક્કસ કરે છે. પરિણામની ચિંતામાં જીવશો તો વાંચેલું ભૂલાશે, પણ જો તૈયારીના આનંદમાં જીવશો તો અશક્ય પણ શક્ય બનશે.

વહાલા વિદ્યાર્થીઓ,

આ પરીક્ષા માત્ર તમારા પુસ્તકિયા જ્ઞાનની કસોટી છે, તમારા જીવનની નહીં. પેપર હાથમાં આવે ત્યારે ડરવાને બદલે એક લાંબો શ્વાસ લેજો અને યાદ કરજો કે તમે કેટલી રાતો જાગીને મહેનત કરી છે. તમારી એ મહેનત ક્યારેય એળે નહીં જાય. માર્કશીટના આંકડા કદાચ વર્ષો પછી ભુલાઈ જશે, પણ તમારી લડવાની આ હિંમત તમને જિંદગીની દરેક પરીક્ષામાં જીતાડશે. મારી અંતરની પ્રાર્થના છે કે તમારી મહેનત સફળ થાય અને તમે ગર્વ સાથે પરીક્ષા ખંડની બહાર આવો. પૂરા આત્મવિશ્વાસ સાથે લખજો, જીત તમારી જ છે.

લેખક : એન્જી .હાર્દિક ચંદારાણા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here