​ARTICLE : બજેટનું ‘જ્ઞાન’ અને સામાન્ય માણસનું ‘તાણ’: એક હાસ્ય કટાક્ષ

0
24
meetarticle

​ફેબ્રુઆરી મહિનો આવે એટલે બે જ જણા ટેન્શનમાં હોય, એક પેલી વેલેન્ટાઈન ડે વાળી પાર્ટી અને બીજો મારો ગરીબડો સામાન્ય માણસ! હમણાં કનુભાઈએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. આંકડો સાંભળીને તો મને એમ થયું કે આટલામાં તો આખું મંગળ ગ્રહ ભાડે રાખી લેવાય! પણ પછી ખબર પડી કે આ તો આપણું ગુજરાત છે, અહીં ‘વિક્રમી’ શબ્દ વગર તો ચા પણ ગળે નથી ઉતરતી.


​સ્માર્ટ પાર્કિંગ અને ટ્રાફિકનો તિતિક્ષા યોગ
​બજેટમાં ‘સ્માર્ટ પાર્કિંગ’ માટે 100 કરોડ ફાળવ્યા છે. સાહેબ, અહીં સ્માર્ટ પાર્કિંગની જરૂર નથી, ‘સ્માર્ટ ડ્રાઈવિંગ’ની જરૂર છે! અમારે ત્યાં તો રિક્ષાવાળો એવી રીતે રિક્ષા ઘુસાડે છે કે જાણે એની રિક્ષામાં હાઈડ્રોલિક સિસ્ટમ હોય અને એ હવામાં ઉડી જવાની હોય. હવે ટ્રાફિકમાં ફસાયેલો માણસ જ્યારે રેડિયો પર સાંભળે કે “ગુજરાત વાયર-ફ્રી બનશે”, ત્યારે એને એમ થાય કે “ભાઈ, પહેલા મને આ ટ્રાફિક-ફ્રી તો કરો!” ગાડીના ટાયર ઘસાઈ જાય પણ સિગ્નલ પરથી ગાડી એક ઇંચ ન ખસે, એને જ તો સાચું ‘સ્થિર બજેટ’ કહેવાય!
​લાઈટ બિલ અને અંડરગ્રાઉન્ડ વાયર
​સરકારે કહ્યું કે વીજળીના તાર અંડરગ્રાઉન્ડ કરીશું. બહુ સારું! એટલે હવે પતંગ ચગાવતી વખતે તારમાં ભરાવવાની બીક નહીં. પણ સાહેબ, તાર ભલે જમીનમાં જાય, લાઈટ બિલ તો આસમાને જ જાય છે ને? ગૃહિણીઓ તો હવે રાત્રે દીવો પ્રગટાવતા પણ વિચારે છે કે ક્યાંક આનો પણ ટેક્સ ન આવી જાય! મોંઘવારી એવી વધી છે કે હવે તો શાકભાજી લેવા જઈએ ત્યારે થેલીમાં શાક ઓછું અને દુઃખ વધારે હોય છે.
​મોંઘવારી પર ‘કલમ’નો ફટકો
​મોંઘવારી વિશે તો શું કહેવું? એક નાનકડી પંક્તિ યાદ આવે છે:
​બજેટમાં આંકડાઓનો એવો જાદુ છવાયો છે,
કે સામાન્ય માણસનો ગજવો બિચારો ગભરાયો છે.
ઘી-તેલના ભાવ જોઈને હવે તો એવું લાગે છે,
કે રસોડામાં રાંધણ ગેસ નહીં, પણ લોહી ઉકળાયો છે!
​રોજગારી અને ‘ડીજીટલ સ્ટેક’નો ડખો
​સરકારે ‘યુનિફાઈડ ડિજિટલ સ્ટેક’ની વાત કરી કે ડોક્યુમેન્ટ્સ વારંવાર નહીં આપવા પડે. ભલે સાહેબ, ડોક્યુમેન્ટ્સ તો એક જ વાર આપીશું, પણ સામે ‘રોજગારીનો ઓર્ડર’ પણ જો એક જ વાર મળી જાય તો કેવું સારું? અત્યારે તો યુવાનો એટલા ડિજિટલ થઈ ગયા છે કે નોકરીની જાહેરાત જોવા માટે પણ પપ્પાના હોટસ્પોટ પર આધાર રાખવો પડે છે!
​યોજનાઓનો મારો અને જનતાનો વારો
​’નમો ગુજરાત કૌશલ્ય મિશન’ અને ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ’… નામ તો એવા છે કે સાંભળીને એમ થાય કે કાલે જ હું એરોપ્લેન બનાવતો થઈ જઈશ. પણ ઓફિસમાં જઈએ ત્યારે ખબર પડે કે ત્યાં તો હજી ‘સર્વર ડાઉન’ની જૂની પુરાણી બીમારી ચાલે છે! બજેટમાં લાખો કરોડોની જોગવાઈ થાય છે, પણ સામાન્ય માણસના ખિસ્સામાં તો હજી ‘લોચો’ જ છે.
​ટૂંકમાં કહીએ તો, બજેટ એટલે એવી સ્કીમ જેમાં સરકાર આપણને લાલ ગાજર બતાવે અને આપણે એ ગાજરનો હલવો ખાવાના સપના જોતા જોતા સૂઈ જઈએ!
​લેખક : અશ્વિન ગોહિલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here