આપણાં હિન્દુ તહેવારોમાં મકરસંક્રાંતિનું પર્વ જ તારીખ પ્રમાણે એટલે કે ૧૪મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, બાકીનાં બધાં પર્વો તથા તહેવારો તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે. ૧૪ મી જાન્યુઆરીને મકરસંક્રાંતિ અથવા ઉતરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ, આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી, આ તહેવારને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું સૂર્ય આ દિવસે ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિનું પર્વ હર્ષોલ્લાસનું પર્વ છે. આ દિવસે નાનાં મોટાં તમામ સંપ્રદાયના તથા જ્ઞાતિઓના પ્રજાજનો વહેલી સવારથી જ પોતપોતાના મકાનોની અગાશી, ધાબા, પતરાં, ઉંચી ટેકરી પરથી પતંગ ચગાવવાનો આનંદ માણે છે.આ પર્વ એવું પર્વ છે કે તમામ જ્ઞાતિના જ્ઞાતિજનો સામૂહિક રીતે ઊજવે છે. ભારતના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઉતરાયણનું પર્વ બહું ધામધૂમથી ઉજવવામાં આવે છે અને પતંગો પણ બહોળા પ્રમાણમાં ચગાવવામાં આવે છે. નાનાં મોટાં તમામ વ્યક્તિઓ એકબીજાની પતંગ કાપવાનો અનેરો આનંદ માણે છે.રંગબિરંગી પતંગોથી આખું આકાશ ભરપૂર દેખાય છે અને લોકો પતંગમય બની જાય છે. બીજું ઉતરાયણ શિયાળામાં આવે છે અને શિયાળામાં સૂર્યનાં કિરણો સ્વાસ્થ્ય માટે લાભકારી છે તેથી દરેકને કુદરતી તડકાનો ફાયદો મળી રહે તે હેતુથી પણ ઉતરાયણના દિવસે પતંગ ઉડાડવાનો રિવાજ અમલી બન્યો હશે.
મકરસંક્રાંતિનો દિવસ બહું પવિત્ર અને પાવન ગણાય છે. આ દિવસે લોકો સવારમાં વહેલાં ઉઠી દેવદર્શન કરવા જાય છે. મંદિરની આજુબાજુ બેઠેલાં ભિક્ષુઓને યથાયોગ્ય ભિક્ષા કે દાન આપે છે, ગાયોને લીલું ઘાસ તથા ઘૂઘરી ખવડાવે છે. મકરસંક્રાંતિના દિવસે મોટાભાગના લોકો પોતાના ઘરની અગાશી કે મજામાં સમૂહમાં બેસીને ઊંધિયું તથા ગરમાગરમ જલેબીની જ્યાફત માણે છે. ચારેબાજુ શોરબકોર, હલ્લાગુલ્લા અને ખુશહાલીનો માહોલ છવાઈ જાય છે. નાના બાળકોને કપાયેલા પતંગો લૂંટવાની બહું મજા આવે છે.ઉતરાયણના દિવસે લોકો બોર, જમફળ તથા શેરડીનો પણ રસાસ્વાદ માણે છે. દરેકનાં ઘરોમાં તલસાંકળી તથા ગોળપાપડી બનાવવામાં આવે છે. શિયાળામાં તલ આરોગ્ય માટે ફાયદાકારક હોવાથી કદાચ તલસાંકળી ખાવાનો વિચાર આપણાં પૂર્વજોને સુઝ્યો હશે.
મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની તથા લૂંટવાની બાબતમાં લડાઈ ઝઘડાં તથા મારામારીના બનાવો બનતાં હોય છે.કેટલાંય લોકોનાં હાથની આંગળીઓ ચિરાઈ જાય છે, કેટલાંય નિર્દોષ પક્ષીઓ ધારદાર દોરીનો ભોગ બની ધવાય છે અથવા મોતને શરણ થાય છે. ક્યારેક નાના બાળકો ધાબા ઉપરથી પડી જવાના પ્રસંગો બને છે એથી સુખનો પ્રસંગ શોકનો અવસર બની જાય છે. રાતે લોકો ગુબ્બારા કે તુક્કલ ચગાવવાનો આનંદ માણે છે. અમુક લોકો અગાશીમાં આકાશી ફટાકડા ફોડીને વાતાવરણમાં ઝગમગાટ લાવી અનેરો આનંદ માણે છે.
મહાભારતના યુદ્ધમાં મહાધનુર્ધર અર્જુનના બાણથી આખા શરીરે ઘવાયેલા ભિષ્મ પિતામહ બાણશય્યા પર શયન કરે છે તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોવાથી પોતાના પ્રાણ ત્યાગવાનો દિવસ ઉતરાયણ જ નક્કી કર્યો હતો અને જ્યાં સુધી ઉતરાયણ ન આવે ત્યાં સુધી શરીરમાં ભોંકાયેલા બાણોની પીડા વેઠીને પણ સૂરજ સામું નજર કરીને બાણશય્યા પર સૂતેલાં જ રહે છે. આમ ઉતરાયણ કે મકરસંક્રાંતિનું પર્વ આદિ અનાદી કાળથી માનવજાત સાથે જોડાયેલું છે. ખરેખર મકરસંક્રાંતિનું પર્વ માણવાનું અને ઉજવવાનું અનેરું મહાત્મ્ય છે.

યોગેશભાઈ આર જોશી, કવિ/લેખક
