જીવનમાં ક્યારેક આપણને એવા લોકો મળે છે, જે વિશ્વાસ તોડે છે, દગો કરે છે અથવા છેતરવામાં સફળ થાય છે. એ ક્ષણે હૃદય દુઃખી થાય છે, મનમાં ગુસ્સો કે બદલો લેવાની ભાવના જન્મે છે. પરંતુ એ સમયે યાદ રાખવું જોઈએ કે આ જગત એક અદભૂત નિયમથી ચાલે છે
દગો એક ક્ષણિક જીત
જે વ્યક્તિ છેતરપીંડીમાં સફળ થાય છે, એને લાગે છે કે તે બહુ હોશિયાર છે અને બીજા કરતાં આગળ છે. પરંતુ આ સફળતા માત્ર બહારથી દેખાય છે, અંદરથી એ વ્યક્તિ શાંતિ ગુમાવી દે છે. ખોટું બોલીને કે છેતરપીંડી કરીને મેળવેલી જીત લાંબી ચાલતી નથી.
કર્મનો નિયમ અચૂક છે
કર્મ ક્યારેય કોઈને માફ કરતું નથી. જેવો બીજ વાવો તેવો પાક મળે – આ પ્રકૃતિનો નિયમ છે. આજે કોઈ દગો કરે છે તો આવતી કાલે એને એની કિંમત ચૂકવવી જ પડે છે. ઘણી વાર સમય લાગે, પરંતુ કર્મ ચોક્કસપણે પોતાની અસર બતાવે છે.
બદલો લેવાની જરૂર નથી
જે વ્યક્તિએ આપણને છેતર્યું છે, એની સામે ગુસ્સો કે બદલો લેવાની ભાવના રાખવાથી આપણા મનની શાંતિ નાશ પામે છે. બદલે આપણે પોતાનું ધ્યાન સકારાત્મક દિશામાં કેન્દ્રિત કરવું જોઈએ. કર્મ એ વ્યક્તિને તેની સજા આપશે, એમાં જ સાચો વિશ્વાસ રાખવો જોઈએ.
દગાથી શીખવું
દગો મળવો એ હંમેશા નુકસાન જ નથી. એમાંથી આપણે જીવનનો મોટો પાઠ શીખીએ છીએ. આગળથી કોને વિશ્વાસ કરવો, કોની સાથે સાવચેતી રાખવી – આ બધું આપણું જ્ઞાન વધારશે. અંતિમ સત્ય
વિશ્વાસ તોડનારા લોકો માટે દેખાવમાં રસ્તો સહેલો લાગે છે, પરંતુ અંતે તેઓ પોતાની જ જાળમાં ફસાઈ જાય છે. સચ્ચાઈનો માર્ગ કદાચ કઠિન લાગે, પરંતુ એ માર્ગે ચાલનારને આંતરિક શાંતિ અને દીર્ઘકાલિન સફળતા મળે છે.

લેખિકા- દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

