ઘણીવાર આપણા જીવનમાં એવા વળાંકો આવે છે જ્યારે આપણને એવું લાગે કે ભગવાને આપણને અમુક વ્યક્તિઓથી, પ્રિય વસ્તુઓથી અથવા પરિસ્થિતિઓથી દૂર કરી દીધા છે. આ વિયોગ, આ ખાલીપો શરૂઆતમાં સજા જેવો, દુઃખદાયક અને અન્યાયી લાગી શકે છે. આપણે સવાલ કરીએ છીએ કે “મારી સાથે જ આવું કેમ?” પરંતુ, જો આપણે વિશ્વાસ અને સમજણના ઊંડાણથી જોઈએ, તો સમજાશે કે આ સજા નથી, પરંતુ આપણા પોતાના ભલા માટેનું એક દૈવી આયોજન છે.જ્યારે ઈશ્વર આપણને કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિથી દૂર કરે છે, ત્યારે તે આપણું રક્ષણ કરી રહ્યા હોય છે. આપણે કદાચ તે સમયે સામે દેખાતા નુકસાનને ન ઓળખી શકીએ, પણ સર્વજ્ઞાની શક્તિ ભવિષ્યમાં થનારા મોટા નુકસાનને જોઈ શકે છે.
કદાચ જે સંબંધ આપણને ખૂબ પ્રિય હોય, તે ધીમે ધીમે આપણા આત્મસન્માનને નુકસાન પહોંચાડી રહ્યો હોય. કદાચ જે આરામદાયક નોકરી કે સ્થિતિમાં આપણે અટવાઈ ગયા હોઈએ, તે આપણી પ્રગતિ અને વાસ્તવિક ક્ષમતાને અવરોધી રહી હોય.
કદાચ જે વસ્તુની લાલસા આપણે કરી રહ્યા હોઈએ, તે ભવિષ્યમાં આપણા માટે દુઃખનું કારણ બનવાની હોય.
ઈશ્વર આપણને ઝેરીલા સંબંધો, નકારાત્મક વાતાવરણ અને જોખમી માર્ગોથી દૂર કરીને અદૃશ્ય રીતે આપણી ઢાલ બનીને ઊભા રહે છે.
કોઈ વસ્તુ કે વ્યક્તિથી દૂર થવું એ હંમેશાં અંત નથી હોતો, પરંતુ એક નવા અને વધારે સારા પ્રકરણની શરૂઆત હોય છે. જ્યારે આપણે કોઈ એક જગ્યાએ અટકી જઈએ છીએ, ત્યારે ઈશ્વર આપણને હલાવીને એવા માર્ગ પર મૂકે છે જ્યાં આપણી સાચી ક્ષમતા અને હેતુ છુપાયેલા હોય છે.
આપણે ઘણીવાર આપણા ‘કમ્ફર્ટ ઝોન’ (આરામદાયક ક્ષેત્ર) માં એટલા ગોઠવાઈ જઈએ છીએ કે પરિવર્તન સ્વીકારતા નથી. આ વિયોગ આપણને એ વાત સમજાવે છે કે દુનિયા ઘણી વિશાળ છે, અને આપણા માટે કંઈક વધારે મોટું અને શ્રેષ્ઠ રાહ જોઈ રહ્યું છે. જોસેફની વાર્તાની જેમ, શરૂઆતમાં જે મુશ્કેલી અને વિયોગ લાગે છે, તે અંતે એક મોટા ઉદ્દેશ્યની સિદ્ધિ માટેનો માર્ગ બની જાય છે.
જ્યારે ઈશ્વર આપણા સહારો બની ગયેલા લોકોને દૂર કરે છે, ત્યારે તે આપણને એક મહત્ત્વનો પાઠ શીખવે છે આત્મ-નિર્ભરતા. આ સમય આપણને આપણી અંદરની શક્તિ, ધીરજ અને આંતરિક વિશ્વાસ પર આધાર રાખતા શીખવે છે.
એકલા પડી જવાનો ડર આપણને પરાવલંબી બનાવે છે. પરંતુ જ્યારે ભગવાને આપેલા આ ‘એકલતાના સમય’ માં આપણે પસાર થઈએ છીએ, ત્યારે આપણને સમજાય છે કે આપણી સૌથી મોટી શક્તિ બાહ્યસંબંધોમાં નહીં, પણ ઈશ્વર સાથેનાઆપણા જોડાણ અને આપણા મનની દૃઢતામાં છે. આનાથી આપણે વધારે મજબૂત, સમજદાર અને ભાવનાત્મક રીતે સ્વતંત્ર બનીએ છીએ.
જ્યારે ભગવાન તમારા જીવનમાંથી કોઈ વસ્તુ કે વ્યક્તિને દૂર કરે છે, ત્યારે તે હંમેશાં બે વસ્તુ કરે છે.
તમારું રક્ષણ કરે છે.
તમને કંઈક શ્રેષ્ઠ આપવા માટે જગ્યા બનાવે છે.
દરેક વિયોગ એક નવી શરૂઆતનું બીજ છે. આ દુઃખના સમયને સજા તરીકે નહીં, પણ ઈશ્વરના પ્રેમ અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટેની તેમની યોજનાના એક ભાગ તરીકે સ્વીકારો. વિશ્વાસ રાખો, જે ગયું છે તેના કરતાં પણ વધુ સુંદર તમારા માટે રાહ જોઈ રહ્યું છે.

લેખિકા – દર્શના પટેલ ( નેશનલ એથ્લેટ મેડાલિસ્ટ)

