જીવન એ કોઈ યુદ્ધના મેદાનથી ઓછું નથી. અહીં દરરોજ આપણી સામે નવી પડકારો અને શક્તિશાળી વિરોધીઓ આવતા હોય છે. ઘણા લોકો માને છે કે હંમેશા લડતા રહેવું એ જ બહાદુરી છે, પરંતુ સાચું ‘રણનીતિ શાસ્ત્ર’ એ કહે છે કે ક્યારેક બે ડગલાં પાછળ હટવા માં જ લાંબા ગાળાની જીત છુપાયેલી હોય છે.
જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં ફસાયેલા હોઈએ અથવા જ્યારે આપણું પલડું નબળું હોય, ત્યારે તે પરિસ્થિતિ ‘નદીની વચ્ચે’ હોવા સમાન છે. આવા સમયે જો સામે પક્ષે કોઈ શક્તિશાળી વ્યક્તિ કે સંસ્થા (મગર) હોય, તો તેની સામે સીધો મોરચો માંડવો એ મૂર્ખામી છે. રણનીતિ કહે છે કે
પહેલા પોતાની નબળાઈ સ્વીકારો.પરિસ્થિતિ શાંત થાય ત્યાં સુધી ધીરજ ધરો.તમારા બચાવના સાધનો મજબૂત કરો.
ક્યારે નમવું?
(સમજદારીપૂર્વકની પીછેહઠ)
નમવું એ કાયરતા નથી, પણ એક વ્યૂહરચના છે.ભગવાન શ્રીકૃષ્ણને ‘રણછોડ’ કહેવામાં આવે છે. જ્યારે જરાસંઘે મથુરા પર ૧૭ વખત આક્રમણ કર્યું, ત્યારે ૧૮મી વખત કૃષ્ણ રણમેદાન છોડીને દ્વારકા ચાલ્યા ગયા. તેઓ ડરપોક નહોતા, પણ તેમને ખબર હતી કે અત્યારે પ્રજાની રક્ષા કરવી અને પોતાની શક્તિ બચાવવી વધુ જરૂરી છે. જ્યારે તમને લાગે કે અત્યારે લડવાથી માત્ર વિનાશ જ થશે અને કોઈ પરિણામ નહીં મળે, ત્યારે નમી જવામાં કે પીછેહઠ કરવામાં જ ભલાઈ છે.
ક્યારે લડવું? જ્યારે તમારી પાસે પૂરતી સત્તા, સંપત્તિ કે સમર્થન આવી જાય, ત્યારે જ અન્યાય કે શક્તિશાળી વિરોધી સામે અવાજ ઉઠાવવો જોઈએ.
પરિવાર કે સમાજમાં જ્યારે વિવાદ થતો હોય, ત્યારે સામા પક્ષે ગુસ્સો હોય તો શાંત રહી જવું (નમવું) શ્રેષ્ઠ છે. જ્યારે વાતાવરણ શાંત થાય ત્યારે જ તમારી વાત રજૂ કરવી.”જ્યાં સુધી નદી પાર ન થાય, ત્યાં સુધી મગર સાથે વેર ન કરાય”જીવનમાં સફળ થવા માટે માત્ર ‘જોશ’ નહીં, પણ ‘હોશ’ (સમજદારી) ની પણ જરૂર છે. બહાદુરી લડવામાં છે, પણ વિજય રણનીતિમાં છે. તમારી તાકાતને ત્યાં સુધી બચાવી રાખો જ્યાં સુધી તમે તેનો ઘાતક પ્રહાર કરવા માટે સક્ષમ ન બનો.

લેખિકા – દર્શના પટેલ નેશનલ એથ્લેટ મેડાલિસ્ટ
