ARTICLE : જ્યારે તમે કોઈનું “જીવવું “મુશ્કેલ કરો છો, ત્યારે તમારું “મરવું” મુશ્કેલ બની શકે છે.

0
49
meetarticle

આ વાક્ય માત્ર ધાર્મિક માન્યતા નથી, પરંતુ સૃષ્ટિના એક ગહન અને અફર નિયમ , કર્મનો સિદ્ધાંત નું પ્રત્યક્ષ નિરૂપણ છે. આ નિયમ ન્યાયપાલિકાના ચુકાદા જેવો છે, જ્યાં કોઈ વકીલ કે દલીલ ચાલતી નથી, માત્ર તમારા કાર્યો જ બોલે છે.
કર્મ એટલે શું? કુદરતની ન્યાય વ્યવસ્થા
કર્મ એટલે માત્ર શારિરીક ક્રિયાઓ નહીં, પણ તમારા વિચારો, શબ્દો અને કાર્યોનો સમૂહ. દરેક ક્રિયાનું સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય છે. આપણે જીવનભર જે સારા-નરસા કાર્યો કરીએ છીએ, તે બધા એક ખાતામાં જમા થતા રહે છે સમય આવ્યે, આ સંગ્રહમાંથી અમુક કર્મો પાકીને આપણા જીવનમાં સુખ-દુઃખ રૂપે ફળ આપે છે.
જ્યારે કોઈ વ્યક્તિ જાણી જોઈને અન્યનું જીવન દુઃખમય બનાવે છે, ત્યારે તે પોતાના ખાતામાં નકારાત્મક અને ભારે કર્મો જમા કરે છે. તે એમ માને છે કે તે છટકી જશે, પણ કુદરતનું કેલ્ક્યુલેટર ક્યારેય ખોટું પડતું નથી.
કોઈને દુઃખ આપવું એટલે માત્ર શારીરિક ઈજા પહોંચાડવી નહીં, પરંતુ માનસિક, ભાવનાત્મક કે આર્થિક રીતે હેરાન કરવું.
અન્યાય અને શોષણ કરવું. કોઈની મજબૂરીનો લાભ લઈને તેને હેરાન કરવું, છેતરવું કે તેના પર અત્યાચાર કરવો.બીજાની સફળતાથી ઈર્ષ્યા કરીને તેના રસ્તામાં કાંટા નાખવા કે તેને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરવો.
પોતાના શબ્દો દ્વારા કોઈનું અપમાન કરવું કે સતત નકારાત્મકતા ફેલાવવી.
આવા કાર્યો કરીને વ્યક્તિ ક્ષણિક સંતોષ મેળવી શકે છે, પણ તે ભૂલી જાય છે કે આ કર્મો ‘વ્યાજ’ સાથે પાછા ફરવાના છે.

“મરવાનું મુશ્કેલ બની શકે છે” નો અર્થ માત્ર લાંબી બીમારીમાં પીડાવું એટલો જ નથી, પણ આંતરિક અશાંતિ અને આધ્યાત્મિક કષ્ટની વેદના પણ છે.અંતિમ સમયનો પશ્ચાતાપ જ્યારે મૃત્યુ નજીક આવે છે, ત્યારે વ્યક્તિનું મન અત્યંત સક્રિય થઈ જાય છે. જીવનભર કરેલા ખરાબ કાર્યોની સ્મૃતિઓ પીછો કરે છે. પસ્તાવો, ભય અને અસલામતીની લાગણી આત્માને શાંતિથી શરીર છોડવા દેતી નથી.
કર્મોના બંધન એટલા મજબૂત હોય છે કે જ્યાં સુધી તેનો સંપૂર્ણ હિસાબ પૂરો ન થાય, ત્યાં સુધી આત્માને મુક્તિ મળતી નથી. ખરાબ કર્મોને કારણે વ્યક્તિને વારંવાર જન્મ-મરણના ચક્રમાં જવું પડે છે, અને દરેક જન્મમાં તે કર્મોનું ફળ ભોગવવું પડે છે.
જેને તમે દુઃખ આપ્યું હોય, તેમના અસંતોષ અને ખરાબ ભાવનાઓ મૃત્યુના સમયે પણ તમારી આસપાસ નકારાત્મક ઊર્જાનું વાતાવરણ બનાવે છે, જેના કારણે વ્યક્તિ આત્મિક રીતે મુક્ત થઈ શકતી નથી.

જો આપણે જીવનનો અંત શાંતિપૂર્વક અને મુક્તિ સાથે ઈચ્છીએ છીએ, તો આપણા કર્મોને શુદ્ધ રાખવા પડશે
માર્ગ સરળ છે
દયાળુ બનો તમારા વિચારો, શબ્દો અને કાર્યોમાં કરુણા અને દયા રાખો.અનુકંપા રાખો કોઈનું જીવન મુશ્કેલ બનાવવામાં નહીં, પણ તેને સરળ બનાવવામાં મદદ કરવી. શુદ્ધ આશય રાખવો તમારા દરેક કર્મ પાછળનો આશય શુદ્ધ અને નિસ્વાર્થ રાખો.
યાદ રાખો, ભગવાન કોઈને સજા આપતા નથી. આપણા જ કર્મો આપણા માટે સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જો તમે કોઈનું જીવવાનું સરળ બનાવશો, તો તમારું મરવાનું શાંતિપૂર્ણ બની જશે.

લેખિકા – દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here