જીવનમાં જ્યારે કોઈ પારકું વ્યક્તિ આપણને દુઃખ આપે ત્યારે આપણને નવાઈ નથી લાગતી, પરંતુ જ્યારે આપણા પોતાના જ, જેમની સાથે આપણે લોહીના સંબંધો ધરાવીએ છીએ અથવા જેમને આપણે અત્યંત પ્રેમ કરીએ છીએ, તે આપણને માનસિક કે શારીરિક પીડા આપે છે, ત્યારે હૃદય ભાંગી પડે છે.
પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા કહે છે કે “દુઃખ દેવાવાળા કરતાં દુઃખ સહન કરવાવાળો હંમેશા ઊંચો હોય છે.” કર્મોનો હિસાબ અને મુક્તિ
હિંદુ ધર્મમાં ‘કર્મનો સિદ્ધાંત’ સર્વોપરી છે. જ્યારે ઘરની વ્યક્તિ આપણને દુઃખ આપે છે, ત્યારે તેને નકારાત્મક રીતે જોવાને બદલે એક ‘તક’ તરીકે જોવું જોઈએ. એવું સમજવું જોઈએ કે ભૂતકાળમાં (ગયા જન્મોમાં કે આ જન્મે) આપણે અજાણતા કોઈ ભૂલ કરી હશે, જેનું ઋણ આજે આપણે ચૂકવી રહ્યા છીએ.જ્યારે તમે શાંતિથી એ દુઃખ સહન કરો છો, ત્યારે તમારું એ પાપ કર્મ ઓછું થઈ રહ્યું છે. તે વ્યક્તિ તો નવું કર્મ બાંધી રહી છે, પરંતુ તમે જૂના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છો.સહન કરવું એનો અર્થ એ નથી કે તમે ડરપોક છો. સહન કરવું એ તો મનની મજબૂતીની નિશાની છે. સમુદ્ર બધા જ પ્રકારના કચરાને પોતાનામાં સમાવી લે છે, છતાં તે ગંભીર રહે છે.સોનું અગ્નિમાં તપે છે ત્યારે જ તે કુંદન બને છે.
તેવી જ રીતે, દુઃખ સહન કરનાર વ્યક્તિ અંદરથી વધુ પરિપક્વ અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બને છે. ભક્ત પ્રહલાદ પોતાના જ પિતા હિરણ્યકશ્યપે તેમને મારવાના અસંખ્ય પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદે તે દુઃખ હસતા મુખે સહન કર્યું. પરિણામે, તેમનું કલ્યાણ થયું અને ઈશ્વરને પોતે પૃથ્વી પર આવવું પડ્યું. જે વૃક્ષ પર લોકો પથ્થર મારે છે, તે જ વૃક્ષ સામે મીઠાં ફળ આપે છે. અહીં પથ્થર મારનાર નીચો છે અને ફળ આપનાર વૃક્ષ ઊંચું છે. “સહનશીલતા એ માનવીનો સૌથી મોટો સદગુણ છે, કારણ કે સહન કરનાર ભગવાનની સૌથી નજીક હોય છે.”તમારા કર્મોનું ફળ મીઠું ત્યારે જ લાગે, જ્યારે તમે કડવા અનુભવોને પચાવવાની શક્તિ કેળવી લો. સાચો વિજય હથિયાર ઉઠાવવામાં નથી, પણ પરિસ્થિતિ સામે હારીને પણ હસતા રહેવામાં છે.”
જ્યારે ઘરના લોકો જ કટુ વચનો કહે અથવા અન્યાય કરે, ત્યારે મનમાં એક જ વિચાર રાખવો “આ મારો કર્મોનો હિસાબ છે જે આજે પૂરો થઈ રહ્યો છે.” આમ વિચારવાથી મનમાં ક્રોધને બદલે શાંતિ આવશે અને તમે માનસિક રીતે વધુ શક્તિશાળી બનશો. યાદ રાખજો, દુઃખ આપનાર તો તેના ભાગ્યમાં કાંટા વાવી રહ્યો છે, પણ તમે સહન કરીને તમારા આત્માને નિર્મળ બનાવી રહ્યા છો.

દર્શના પટેલ(નેશનલ એથ્લેટ)

