આજના સમયમાં આપણે જોઈએ છીએ કે જેની પાસે સત્તા છે, પૈસો છે કે વગ છે, તે ઘણીવાર સત્યને દબાવી દે છે. નિર્દોષ વ્યક્તિ પુરાવાઓના અભાવે હારી જાય છે અને અન્યાય કરનાર અટ્ટહાસ્ય કરે છે. પરંતુ યાદ રાખજો, પૃથ્વીનો ન્યાય લોખંડના સળિયા પાછળ પૂરી શકે છે, પણ કુદરતનો ન્યાય આત્માને પણ જંપીને બેસવા દેતો નથી.દુન્યવી અદાલતમાં વકીલો દલીલો કરે છે, સાક્ષીઓ ફોડવામાં આવે છે અને કાગળો પર ન્યાય તોળાય છે. પરંતુ ‘કુદરતની અદાલત’ (The Court of Nature) માં કોઈ સીસીટીવી કેમેરાની જરૂર નથી પડતી, કારણ કે ત્યાં આપણી ‘નિયત’ જ સૌથી મોટો પુરાવો છે.
તમે દુનિયાની નજરમાં ભલે સાચા ઠરો, પણ જો તમે કોઈનું દિલ દુભાવ્યું છે કે અન્યાય કર્યો છે, તો કુદરતના ચોપડે તે ‘ઉધાર’ તરીકે નોંધાઈ જાય છે.
સમય એક એવું ચક્ર છે જે રાજાને રંક અને રંકને રાજા બનાવવાની તાકાત ધરાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ શક્તિના નશામાં બીજાને હેરાન કરે છે, ત્યારે તે ભૂલી જાય છે કે સમય હંમેશા એકસરખો રહેતો નથી.
કુદરતનો ન્યાય કદાચ ત્વરિત ન લાગે, પણ તે એટલો સચોટ હોય છે કે જ્યારે તે વળતો પ્રહાર કરે છે ત્યારે માણસ પાસે બચવાનો કોઈ રસ્તો હોતો નથી.
એક ગામમાં એક બહુ મોટો જમીનદાર હતો. તેણે ગામના એક ગરીબ ખેડૂતની જમીન નકલી દસ્તાવેજો બનાવીને હડપી લીધી. ગરીબ ખેડૂત કોર્ટમાં ગયો, પણ જમીનદારે પૈસા ખવડાવીને કેસ જીતી લીધો. ખેડૂત રડતા રડતા ઘરની બહાર નીકળ્યો અને બોલ્યો, “ભલે સાહેબ, તમારી પાસે કાગળ છે, પણ ઉપરવાળા પાસે ન્યાય છે.”
વર્ષો વીતી ગયા. જમીનદારને લાગ્યું કે તે જીતી ગયો. પણ સમયનું ચક્ર ફર્યું. જમીનદારના પોતાના જ સંતાનોએ તે જ જમીન માટે તેને કોર્ટમાં ઘસડ્યો અને અંતે તેને તેના જ ઘરેથી બહાર કાઢી મૂક્યો. જે અન્યાય તેણે ખેડૂત સાથે કર્યો હતો, એ જ પરિસ્થિતિમાં તે પોતે આવીને ઉભો રહ્યો. તેને સમજાયું કે જે જમીન તેણે છીનવી હતી, તે જ જમીને તેને પાયમાલ કરી દીધો. આને કહેવાય કુદરતનું વ્યાજ સાથેનું વળતર. “સમયનું ચક્ર જ્યારે ફરે છે ત્યારે અવાજ નથી કરતું, પણ તે બધું જ સરભર કરી દે છે.કોઈને રડાવીને મેળવેલી ખુશી ક્યારેય લાંબી ટકતી નથી, કારણ કે કુદરત દરેક આંસુનો હિસાબ રાખે છે તમારી શાંતિ જ તમારી સૌથી મોટી શક્તિ છે. તમારી સાથે જે ખરાબ થયું છે તેનો બદલો લેવા જશો તો તમે પણ એના જેવા જ બની જશો. બદલો લેવાનું કામ કુદરત પર છોડી દો.જો તમે સાચા છો, તો આખું બ્રહ્માંડ તમારી સાથે છે. આજે નહીં તો કાલે, સત્ય બહાર આવશે જ.યાદ રાખો કે ‘કર્મ’ એ એવું રોકાણ છે જે તમને વ્યાજ સહિત પાછું મળે છે. અન્યાય કરનાર ભલે આજે સુખી દેખાય, પણ કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો. જ્યારે તે પડે છે, ત્યારે મનુષ્ય પાસે પસ્તાવા સિવાય કંઈ બાકી રહેતું નથી.
જ્યારે દુનિયા તમારી નિર્દોષતા પર સવાલ ઉઠાવે અને ન્યાય મળવાની આશા સાવ ઠરી જાય, ત્યારે આ વાત હંમેશા યાદ રાખજો. તમારી પાસે સત્તા નથી એનો અર્થ એ નથી કે તમે લાચાર છો. તમારી પાસે સત્ય છે અને સત્ય એ જ ઈશ્વરનું રૂપ છે. અન્યાય સામે તરત વળતો પ્રહાર ન કરી શકવાને કારણે તમારી જાતને ક્યારેય નબળી ન માનશો. ક્યારેક સમયને પણ સમય આપવો પડે છે જેથી તે પોતાનો ન્યાય યોગ્ય રીતે કરી શકે.
મહાદેવની જેમ અન્યાયના ઝેરને ગળી જવું પડે છે, પણ તેને હૃદયમાં ભરી રાખવાને બદલે શક્તિમાં બદલો. તમારો ઉત્કર્ષ એ જ અન્યાય કરનાર માટે સૌથી મોટો જવાબ છે.જે આજે તમારા પર હસે છે, તે કાલે તમારી જીત જોઈને સ્તબ્ધ થઈ જશે. કુદરત જ્યારે ન્યાય કરે છે ત્યારે તે બૂમો પાડીને નથી કરતી, પણ શાંતિથી એવી રીતે પાઠ ભણાવે છે કે આખી દુનિયા જોતી રહી જાય છે. કોઈ વગર વાંકે હેરાન કરે ત્યારે તેને માફ કરી દેવો એ મહાનતા છે, પણ અન્યાય સામે નમવું એ પાપ છે. તમારા હક માટે લડજો, પણ દ્વેષથી નહીં. કારણ કે તમારો પક્ષ ભલે કોઈ ન લે, પણ જેનો પક્ષ ‘સમય’ લે છે તેની જીત હંમેશા નિશ્ચિત હોય છે.
વિશ્વાસ રાખજો, તમારી આંખમાંથી પડેલું દરેક આંસુ કુદરતને ઉધાર છે, અને તે ન્યાય રૂપી વ્યાજ સાથે પરત આવશે જ.અંતે તો સત્ય જ જીતશે
જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય અને તમારી પાસે પોતાને સાચા સાબિત કરવા માટે કોઈ શબ્દો કે પુરાવા ન વધે, ત્યારે માત્ર એક જ ઊંડો શ્વાસ લેજો અને આકાશ તરફ જોઈને સ્મિત કરજો.યાદ રાખજો કે, માણસની અદાલતમાં ‘સાક્ષી’ જોઈએ છે, પણ કુદરતની અદાલતમાં તો માત્ર ‘દાનત’ જ કાફી છે. તમને હેરાન કરનાર વ્યક્તિ કદાચ આજે જીતી રહી હોય તેવું લાગશે, પણ એ જીત ક્ષણિક છે. કુદરત જ્યારે હિસાબ કરવા બેસે છે ત્યારે તે પૈસા, પાવર કે પહોંચ નથી જોતી. તે માત્ર એ જુએ છે કે કોણે કોનું દિલ દુભાવ્યું છે.તમારી ધીરજને તમારી હાર ન માનશો. જેવી રીતે સૂરજને વાદળો ગમે તેટલી વાર ઢાંકી દે, પણ અંતે તો સૂરજ જ ઉગે છે, તેમ તમારી નિર્દોષતાનો સૂરજ પણ એક દિવસ ખીલશે જ.
શાંત રહો, મક્કમ રહો… કારણ કે ‘સમય’ જ્યારે ન્યાયનો ફેંસલો સંભળાવે છે ત્યારે સામેવાળા પાસે દલીલ કરવાની કોઈ જગ્યા બચતી નથી.”
દર્શના પટેલ(નેશનલ મેડાલિસ્ટ)

