માનવ સંબંધોમાં સંવાદ (Communication) એ ઓક્સિજન જેવું કામ કરે છે. જ્યાં સુધી વાતો થાય છે, ત્યાં સુધી સંબંધ જીવંત રહે છે. પણ જ્યારે શબ્દોની જગ્યા મૌન લઈ લે છે, ત્યારે સંબંધ ધીરે ધીરે ‘કોમા’ માં જતો રહે છે.
ઝઘડો એ જીવંતતાની નિશાની છે સંબંધોમાં ઝઘડો થવો એ ખરાબ બાબત નથી. ઝઘડો એ વાતનો પુરાવો છે કે હજુ પણ સામેની વ્યક્તિ પ્રત્યે તમને લાગણી છે, અપેક્ષા છે અને અધિકાર છે. ઝઘડામાં તમે બૂમો પાડો છો, રડો છો અને મનની વાત બહાર કાઢો છો. એકવાર મન હળવું થાય એટલે માફી માંગીને કે આપીને ફરીથી સાથે થઈ શકાય છે. એટલે જ કહેવાય છે કે, “ઝઘડાનો ઉકેલ છે, પણ ઉદાસીનો નથી.”
જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે મૌન છવાઈ જાય છે, ત્યારે તે ખતરનાક બની જાય છે. આ મૌન કોઈ આકસ્મિક નથી હોતું, પણ ધીરે ધીરે બંધાયેલી એક દીવાલ હોય છે. બંને એકબીજાને ઓનલાઈન જુએ છે પણ મેસેજ નથી કરતા. આ મૌન પાછળ ઘણીવાર અહંકાર (Ego) હોય છે કે “પહેલા એ કેમ નહીં?” અને આ જ હરિફાઈમાં સંબંધ હારી જાય છે.
મૌનનો કોઈ ઈલાજ કેમ નથી? કારણ કે જ્યાં કોઈ પ્રશ્ન જ નથી પૂછાતો, ત્યાં જવાબની આશા કેવી રીતે રાખવી? જ્યારે કોઈ કારણ વગર વાતચીત બંધ થઈ જાય, ત્યારે સામેની વ્યક્તિ ગુંચવાયેલી રહે છે કે તેનો વાંક શું હતો? આ ‘Closure’ (નિષ્કર્ષ) વગરનો અંત વ્યક્તિને માનસિક રીતે તોડી નાખે છે.
ઝઘડો હોય ત્યાં પ્રેમની આશા હોય છે, પણ જ્યાં મૌન હોય ત્યાં ફક્ત અંત હોય છે.તમે લડી લો, ઝઘડી લો પણ બોલવાનું બંધ ના કરો, કારણ કે શબ્દો અટકે છે ત્યાં જ અંતર વધે છે.
મૌન ધારણ કરવું એ અહંકાર માટે જીત હોઈ શકે, પણ પ્રેમ માટે એ સૌથી મોટી હાર છે.
દુનિયામાં સૌથી ઊંડી ખાઈ એ છે જે બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત બંધ થવાથી બને છે.

દર્શના પટેલ ( નેશનલ મેડાલિસ્ટ)

