આસો માસની નવલી નવરાત્રિના નવ દિવસ પછીથી જે દસમો દિવસ આવે છે એને દશેરા તરીકે ઓળખવામાં આવે છે. દશેરાનો સાચો અર્થ માઠી દશા હરનાર એવો થાય છે. દશેરાનો ખરો અને સાચો ઉચ્ચાર દશહરા છે, પરંતુ કાળક્રમે અપભ્રંશ થઈને દશેરા શબ્દ બની ગયો છે. નવરાત્રિનાં નવ દિવસ મોડી રાત સુધી જાગીને રાસ ગરબા ખેલીને થાકેલા ખેલૈયાઓ દશેરાના દિવસે આરામ ફરમાવી આનંદ પ્રમોદ કરે છે. દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લંકામાં શ્રી રામ અને રાવણનું મહા યુદ્ધ સતતં નવ દિવસ સુધી ચાલ્યું હતું અને દશમા દિવસે રામે રાવણના રામ રમાડી દીધા હતા, તેથી આ પર્વને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. વિજયાદશમી એ આસુરી શક્તિ તથા અસત્ય ઉપર સત્યના વિજયનું પ્રતીક છે. અહંકારી દુષ્ટ રાવણનો શ્રી રામચંદ્રે વધ કર્યો અને લંકા ઉપર જે વિજય પતાકા ફરકાવી અને સમગ્ર વાનર સેનાએ જે હર્ષોલ્લાસ મનાવ્યો તેને વિજયાદશમી કહેવામાં આવે છે.
દશેરાને બહુ પવિત્ર દિવસ માનવામાં આવે છે. દશેરાના દિવસે લોકો નવી પેઢી કે દુકાનનું ઉદ્દઘાટન કે શુભારંભ કરે છે. અમુક વ્યક્તિઓ પોતાના વાહનો તથા પશુધનને ફૂલહાર ચઢાવી શણગારે છે તો ક્ષત્રિયો પોતાના અસ્ત્ર શસ્ત્રની પૂજા કરે છે. ઔધોગિક કામદારો કારખાના કે ફેક્ટરીમાં મશીનોની સાફ સફાઈ તથા પૂજા અર્ચના કરે છે. દશેરાના દિવસે ગલગોટાના ફૂલથી પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.દશેરાના દિવસે સમી વૃક્ષનું પૂજન કરવામાં આવે છે.એવુ કહેવાય છે કે પાંડવોએ બાર વર્ષના વનવાસ પછી તેરમા વર્ષે અજ્ઞાતવાસ વિતાવતાં પહેલાં, પોતાનાં દિવ્ય અસ્ત્ર શસ્ત્ર આ સમી વૃક્ષ પર છુપાવ્યા હતાં અને અજ્ઞાતવાસ પૂરો કર્યા પછી દશેરાના શુભ દિવસે સમી વૃક્ષની વિધિવત પૂજા અર્ચના કરીને, તેમનાં દિવ્ય આયુધો પરત મેળવ્યાં હતાં.અને આ કારણે જ ઈતિહાસમાં સમી વૃક્ષનું મહાત્મ્ય અનોખી રીતે વણાઈ ગયું છે. રાજા રજવાડાના વખતમાં પણ દશેરાના દિવસે જાતજાતની હરિફાઈ, કલા કરતબ તથા નાચગાનના રંગારંગ કાર્યક્રમો યોજાતા હતાં અને રાજા મહારાજાઓની શાહી સવારી આખા નગરમાં ફરતી હતી અને રાજા મહારાજાઓ તરફથી ખિતાબ, ઈલ્કાબ તથા માન આકરામથી વિશેષ વ્યક્તિઓને નવાજવામાં આવતા હતાં તથા ગરીબ,પછાત અને જરૂરતમંદ વ્યક્તિઓને દાન દક્ષિણા, ભેટ સૌગાતો તથા મિઠાઈ વહેંચવામાં આવતી હતી. મોટા શહેરોમાં રાતે રાવણ દહન જેવા કાર્યક્રમો યોજાય છે. દશેરાના દિવસે લગભગ નાના મોટા દરેક નગરોમાં જલેબી ફાફડા ખાવાનો રિવાજ છે. ટૂંકમાં દશેરા એ આનંદ પ્રમોદ અને ખુશી મનાવવાનું પર્વ છે.

યોગેશભાઈ આર જોશી,હાલોલ

