ARTICLE : પરશુરામ ભગવાનનું ‘માતૃ-હત્યા’ પાછળનું રહસ્ય, પાપ હતું કે પુણ્ય?

0
36
meetarticle

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અનેક એવી ઘટનાઓ છે જે સામાન્ય નજરે જોતા અયોગ્ય લાગે, પરંતુ તેની પાછળનો હેતુ અને પરિણામ બ્રહ્માંડના કલ્યાણ માટે હોય છે. ભગવાન પરશુરામ દ્વારા તેમની માતા રેણુકાનો વધ એ આવી જ એક ચોંકાવનારી પણ બોધદાયક ઘટના છે.
મહારાણી રેણુકા મહર્ષિ જમદગ્નિના પત્ની હતા. એકવાર નદીએ પાણી ભરવા ગયા ત્યારે ગંધર્વ ચિત્રરથના વિહારને જોઈ તેમના મનમાં ક્ષણિક મોહ જાગ્યો. આ કોઈ શારીરિક અપરાધ નહોતો, પરંતુ સાધનાના માર્ગે રહેલા ઋષિ પત્ની માટે ‘માનસિક અશુદ્ધિ’ હતી. જમદગ્નિ ઋષિએ પોતાના તપોબળથી આ જાણી લીધું અને તેને મર્યાદાનો ભંગ ગણ્યો.જ્યારે જમદગ્નિએ પોતાના પુત્રોને માતાનો વધ કરવા કહ્યું, ત્યારે ચાર મોટા પુત્રો ધર્મસંકટમાં મુકાયા અને પિતાની આજ્ઞા માનવાની ના પાડી દીધી. પરિણામે, ક્રોધિત ઋષિએ તેમને જડ (ચેતના વગરના) બનાવી દીધા. છેલ્લે પરશુરામ આવ્યા. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પિતાની આજ્ઞાનું પાલન કર્યું.
પાપ કે પુણ્ય?
લોકો પ્રશ્ન કરે છે કે શું માતાની હત્યા કરવી એ પુણ્ય હોઈ શકે? આ રહસ્ય સમજવા માટે પરશુરામની દ્રષ્ટિ સમજવી જરૂરી છે. પિતૃભક્તિની પરાકાષ્ઠા પરશુરામ જાણતા હતા કે પિતા જમદગ્નિ સિદ્ધ પુરુષ છે. જો પિતા મૃત્યુ આપી શકે છે, તો તે જીવન પણ આપી શકે છે.
શુદ્ધિકરણનો માર્ગ પરશુરામ માટે આ હત્યા ‘વધ’ નહોતો પણ પિતાના ક્રોધને શાંત કરી માતાને ફરીથી પવિત્ર કરવાનો એક માર્ગ હતો. પરશુરામે જ્યારે વરદાનમાં માતાનું જીવન માંગ્યું, ત્યારે માતા રેણુકા માત્ર જીવિત જ ન થયા, પણ માનસિક રીતે વધુ શુદ્ધ અને તેજસ્વી બનીને પાછા આવ્યા.
“જ્યારે હેતુ નિઃસ્વાર્થ હોય અને શ્રદ્ધા અડગ હોય, ત્યારે કઠોર કર્મ પણ કલ્યાણકારી બની જાય છે.”પરશુરામનું આ કૃત્ય પાપ નહોતું, પરંતુ આજ્ઞાપાલનનું સર્વોચ્ચ ઉદાહરણ હતું. તેમણે સાબિત કર્યું કે પિતાના વચનને પાળવા માટે વ્યક્તિએ પોતાનું સર્વસ્વ (પોતાની લાગણીઓ પણ) દાવ પર લગાડવી પડે છે. અંતે, તેમની બુદ્ધિ અને ભક્તિને કારણે જ આખો પરિવાર ફરી એક થયો.
ભગવાન પરશુરામ હિન્દુ ધર્મના અત્યંત પ્રભાવશાળી દેવતા અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. તેઓ જ્ઞાન અને શક્તિનો અદભૂત સંગમ ગણાય છે. પિતા મહર્ષિ જમદગ્નિ (જે સપ્તર્ષિઓમાંના એક હતા).
માતા રેણુકા દેવી.તેઓ ભૃગુ વંશના હોવાથી તેમને ‘ભાર્ગવ’ પણ કહેવામાં આવે છે.પરશુરામનું મૂળ નામ ‘રામ’ હતું, પરંતુ જ્યારે તેમણે ભગવાન શિવ પાસેથી દિવ્ય કુઠાર પ્રાપ્ત કર્યું, ત્યારે તેઓ ‘પરશુરામ’ તરીકે ઓળખાયા.ભગવાન પરશુરામે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે હિમાલયમાં ઘોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિ અને યુદ્ધકળા પ્રત્યેની નિષ્ઠા જોઈને ભોળાનાથે તેમને અનેક દિવ્ય અસ્ત્ર-શસ્ત્ર આપ્યા, જેમાં ‘પરશુ’ સૌથી શક્તિશાળી હતું. શિવજીએ તેમને આશીર્વાદ આપ્યા કે આ શસ્ત્ર અન્યાય સામે હંમેશા વિજયી રહેશે.પરશુરામજીનું આ શસ્ત્ર બે બાબતોનો સમન્વય છે
સંહાર અને સર્જન જે રીતે કુઠાર જંગલના નકામા ઝાડ કાપીને રસ્તો બનાવે છે, તેમ પરશુરામ ભગવાને આ શસ્ત્રથી સમાજમાં વ્યાપેલી અત્યાચારી શક્તિઓનો નાશ કરીને ધર્મનો માર્ગ મોકળો કર્યો.બ્રાહ્મણ અને ક્ષત્રિય ગુણોનો સંગમ પરશુરામ ભગવાન જન્મથી બ્રાહ્મણ હતા (જે શાંતિનું પ્રતીક છે), પરંતુ શસ્ત્ર ધારણ કરીને તેમણે ક્ષત્રિય ધર્મ (જે રક્ષણનું પ્રતીક છે) નિભાવ્યો. તેમનું પરશુ એ ‘શાસ્ત્ર અને શસ્ત્ર’ ના સંગમનું પ્રતીક છે.
જ્યારે અહંકારી રાજા સહસ્ત્રાર્જુને પરશુરામના પિતાનો વધ કર્યો અને કામધેનુ ગાયનું અપહરણ કર્યું, ત્યારે પરશુરામ ભગવાને આ જ પરશુ ઉઠાવ્યું હતું. તેમણે પૃથ્વીને ૨૧ વાર ઘણા અત્યાચારી ક્ષત્રિયોથી મુક્ત કરી હતી. અહીં નોંધવા જેવી બાબત એ છે કે તેઓ ‘ક્ષત્રિય’ વિરોધી નહોતા, પણ ‘અત્યાચાર’ વિરોધી હતા.
પરશુને ભગવાન શિવનું તેજ માનવામાં આવે છે. પરશુરામે આ જ શસ્ત્રના જ્ઞાન દ્વારા ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્જ અને કર્ણ જેવા મહારથીઓને યુદ્ધકળા શીખવી હતી. પુરાણો અનુસાર પરશુરામ ભગવાન ‘ચિરંજીવી’ છે, એટલે કે તેઓ આજે પણ મહેન્દ્રગિરી પર્વત પર તપસ્યામાં લીન છે અને તેમનું દિવ્ય પરશુ તેમની પાસે જ છે.
ભગવાન પરશુરામનું પરશુ આપણને શીખવે છે કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય, ત્યારે શાંતિ જાળવવી એ કાયરતા છે. અન્યાય સામે અવાજ ઉઠાવવો એ પણ એક ધર્મ જ છે.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here