ARTICLE : પિતા-પુત્રનો સંબંધ: એક અણકહ્યો સ્નેહ અને સંસ્કારનો વારસો

0
38
meetarticle

પિતા અને પુત્રનો સંબંધ જગતમાં સૌથી અનોખો છે. માતાનો પ્રેમ આંસુમાં વહી જાય છે, પણ પિતાનો પ્રેમ એ છત છે જે ક્યારેય પડતી નથી. પિતા એ વડલા સમાન છે, જે પોતે તડકો વેઠીને સંતાનોને શીતળતા આપે છે. આ સંબંધમાં ક્યારેક મૌન હોય છે, ક્યારેક શિસ્તની કઠોરતા, પણ તેની ભીતરમાં વહેતું વહાલ અતુલ્ય છે.
​પૌરાણિક આદર્શ: રામ અને દશરથ
​જ્યારે પિતા-પુત્રના સંબંધની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ મર્યાદા પુરુષોત્તમ રામ અને રાજા દશરથનું યાદ આવે. પિતાના એક વચન ખાતર રાજગાદી ત્યજીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારવો એ પુત્રધર્મની પરાકાષ્ઠા છે. તો બીજી તરફ, પુત્રના વિયોગમાં ‘રામ… રામ…’ કહીને પ્રાણ ત્યાગવા એ પિતાના પુત્ર પ્રત્યેના અસીમ લગાવનું પ્રમાણ છે. આ સંબંધમાં સ્વાર્થ નથી, માત્ર સમર્પણ છે.
​એક હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા
​એક વૃદ્ધ પિતા અને તેમનો ભણેલો-ગણેલો પુત્ર બગીચામાં બેઠા હતા. પક્ષી ઊડીને ઝાડ પર બેઠું. પિતાએ પૂછ્યું, “બેટા, પેલું શું છે?”
પુત્રએ કહ્યું, “પપ્પા, એ કાગડો છે.”
થોડીવાર પછી પિતાએ ફરી પૂછ્યું, “બેટા, પેલું શું છે?”
પુત્ર થોડા કંટાળા સાથે બોલ્યો, “મેં કહ્યું ને પપ્પા, એ કાગડો છે!”
ત્રીજી વાર પિતાએ એ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે પુત્ર ગુસ્સે થઈ ગયો, “તમને એકવાર કહ્યું તો ખબર નથી પડતી? એ કાગડો છે!”
​પિતા અંદર ગયા અને પોતાની જૂની ડાયરી લાવ્યા. તેમણે પુત્રને એક પાનું વાંચવા કહ્યું. તેમાં લખ્યું હતું: “આજે મારો પુત્ર ત્રણ વર્ષનો થયો. અમે બગીચામાં હતા. તેણે 25 વાર પૂછ્યું કે ‘પેલું શું છે?’ અને મેં 25 એ 25 વાર હસતા મોઢે જવાબ આપ્યો કે – બેટા, એ કાગડો છે.”
​પુત્રની આંખો ભીની થઈ ગઈ. આ જ તફાવત છે પિતાના ધૈર્યમાં અને પુત્રની આધુનિકતામાં.
​કવિતાના કટાક્ષ અને પ્રેમ: અશ્વિન ગોહિલ ની કલમે
​પિતા એટલે ખિસ્સા ખાલી હોય તો પણ,
સંતાનોના સ્વપ્ન જે ક્યારેય અધૂરા નથી રાખતો.
​કડક શિસ્તની પાછળ જે છુપાવે છે વહાલનો દરિયો,
એક પિતા જ છે જે સંતાન માટે આખું આયખું ઘસે છે.
​ગઝલની પંક્તિઓ:
ખુલ્લી આંખે જોયેલું કોઈ ખવાબ છે પિતા,
તરસ્યા જીવનમાં મીઠો આબ (પાણી) છે પિતા.
​ભલે દુનિયા આખી મને ઠોકર મારે તો શું?
મારી પડખે ઉભેલો મજબૂત જવાબ છે પિતા.
​સામાજિક કિસ્સો અને આધુનિક સંવાદ
​આજે આપણે જોઈએ છીએ કે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. આધુનિક પુત્ર ઘણીવાર કહે છે, “પપ્પા, તમને અત્યારના જમાનાની ખબર ના પડે, તમે શાંતિથી બેસો.” આ સંવાદ એક પિતાના હૃદયને ચીરી નાખે છે. જે પિતાએ તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે તમે તેને રસ્તો બતાવો છો?
​એક આધુનિક ઉદાહરણ લઈએ તો, રતન ટાટા કે એવા અનેક ઉદ્યોગપતિઓ જ્યારે પોતાના પિતાના વારસાને કે સંસ્કારને આગળ વધારે છે, ત્યારે તે સાચો પુત્રધર્મ કહેવાય. પિતાની મિલકત વાપરવી એ મોટી વાત નથી, પણ પિતાએ કમાયેલું ‘નામ’ જાળવવું એ પુત્રની સાચી સફળતા છે.
​વિશેષ કાવ્ય પંક્તિઓ
​”પિતાના જૂના ચંપલમાં પગ નાખીને જોજો,
એ પગલાંમાં કેટલા કાંટા વાગ્યા છે એનો અહેસાસ થશે.”
​નિષ્કર્ષ:
પુત્ર જ્યારે પિતાના પગરખાંમાં પગ મૂકતો થાય ત્યારે એ પિતાનો મિત્ર બની જવો જોઈએ. પિતાને પૈસાની નહીં, પણ તમારા પ્રેમ અને સમયની જરૂર હોય છે. યાદ રાખજો, તમારી સફળતામાં જે માણસ સૌથી વધુ હરખાય છે, એ પિતા જ હોય છે.


​લેખક અશ્વિન ગોહિલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here