ARTICLE : “પીછે મૂડ”જીવનનો અણધાર્યો વળાંક અને “ગર્વ-અફસોસ “ની માયા

0
38
meetarticle

પીછે મૂડ પરેડ કે ડ્રિલના મેદાન પર આપવામાં આવતો આ એક સરળ આદેશ છે.એક ક્ષણમાં આખી હરોળની ગોઠવણને બદલી નાખે છે. જે વ્યક્તિ હમણાં જ સૌથી આગળ (પ્રથમ ક્રમે) હતી, તે તત્ક્ષણ સૌથી છેલ્લે (અંતિમ ક્રમે) પહોંચી જાય છે, અને જે છેલ્લે હતી, તે અચાનક મોખરે આવી જાય છે.આ નાનકડો આદેશ આપણને જીવનના એક મહાન સત્યનું દર્શન કરાવે છે.કે જીવનમાં ક્યારેય “આગળ હોવાનો ઘમંડ” ન રાખવો.


જો તમે આજે કોઈ પણ ક્ષેત્રમાં સફળતાની ટોચ પર છો, સૌથી આગળ છો, અથવા તમને લાગે છે કે તમે બીજાઓ કરતાં વધુ શ્રેષ્ઠ છો, તો આ પરેડના દ્રશ્યને યાદ રાખો.
સફળતા અસ્થાયી છે. જીવનમાં સફળતા કે ‘આગળ’ રહેવું એ કાયમી સ્થિતિ નથી. સમય, સંજોગો અને ભાગ્ય ગમે ત્યારે “પીછે મૂડ” કહી શકે છે. એક નાનકડી ભૂલ, એક અણધારી ઘટના, અથવા માત્ર સમયનો બદલાવ તમને છેલ્લી હરોળમાં મૂકી શકે છે.


એટલે નમ્રતા જાળવવી. ઘમંડ વ્યક્તિની પ્રગતિને અટકાવે છે અને તેને અંધ બનાવે છે. જે વ્યક્તિ સફળતાના શીખરે પહોંચીને નમ્રતા ગુમાવે છે, તેનો પતન નિશ્ચિત હોય છે. હંમેશા યાદ રાખો કે, તમારી આજની સફળતા પાછળ અનેક સંઘર્ષો અને બીજાનો સહકાર રહેલો છે.એવીજ રીતે “છેલ્લા હોવાનો ક્યારેય અફસોસ” ન રાખવો. તમે આજે જીવનના સંઘર્ષના તબક્કામાં છો, સૌથી પાછળ છો, અથવા નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો, તો નિરાશ થવાની જરૂર નથી.નવો વળાંક અણધાર્યો છે. જીવન ક્યારેય પણ “પીછે મૂડ” બોલી શકે છે. તમારી મહેનત, ધૈર્ય અને સકારાત્મકતા એક ક્ષણમાં તમને સૌથી આગળ લાવી શકે છે. નિષ્ફળતા અથવા પાછળ રહેવાનો અર્થ એ નથી કે તમે હંમેશા ત્યાં જ રહેશો.
જે વ્યક્તિઓ સંઘર્ષના તબક્કામાંથી પસાર થાય છે, તેઓ જીવનના સૌથી મહત્વપૂર્ણ પાઠ શીખે છે. છેલ્લા હોવાથી તમને આગળ રહેલા લોકોની ભૂલો જોવાની અને પોતાની વ્યૂહરચના સુધારવાની તક મળે છે. જિંદગી ક્યારે “પીછે મૂડ” બોલશે, ખબર નથીઆપણી જિંદગી એ કોઈ નિશ્ચિત ક્રમનું પુસ્તક નથી. તે અનિશ્ચિતતાઓથી ભરેલી પરેડ છે.


આગળ હોઈએ તો બીજાને મદદરૂપ થાઓ, નમ્ર રહો અને તમારી સફળતાને માથે ચડાવશો નહીં.પાછળ હોઈએ તો હતાશ ન થાઓ, મહેનત ચાલુ રાખો અને આશા ન ગુમાવો.
કારણ કે, જિંદગી જ્યારે પણ “પીછે મૂડ” બોલશે, ત્યારે બાજી પલટાઈ જશે. તેથી, હંમેશા તૈયાર રહો. ન તો ગર્વ કરો, ન તો અફસોસ. માત્ર વર્તમાનમાં જીવો અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપતા રહો.

લેખિકા – દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here