આ કથા યમુના નદીના કિનારેથી શરૂ થાય છે, જેણે ભારતવર્ષના ઇતિહાસને બદલી નાખ્યો.
પ્રાચીન કાળમાં યમુના નદીના કિનારે ‘દાસરાજ’ નામના નિષાદ (માછીમાર) રાજા રહેતા હતા. તેમની પુત્રીનું નામ હતું મત્સ્યગંધા (સત્યવતી). તેના શરીરમાંથી માછલી જેવી ગંધ આવતી હતી, તેથી તેનું નામ મત્સ્યગંધા પડ્યું હતું. તે તેના પિતાના કાર્યમાં મદદ કરવા માટે યમુના નદીમાં લોકોને નાવ દ્વારા પેલે પાર ઉતારવાનું કામ કરતી હતી.
એક દિવસ મહર્ષિ પરાશર તીર્થયાત્રા પર જઈ રહ્યા હતા. તેમને નદી પાર કરવી હતી અને સંયોગવશ તેઓ મત્સ્યગંધાની નાવમાં બેઠા. નદીની મધ્યમાં પહોંચ્યા ત્યારે ઋષિ પરાશરે જ્યોતિષ વિદ્યા દ્વારા જોયું કે, અત્યારે એક એવો દુર્લભ યોગ બની રહ્યો છે કે જો આ સમયે કોઈ સંતાનનો જન્મ થાય, તો તે સાક્ષાત ભગવાન વિષ્ણુનો અંશ હશે અને તે જ્ઞાનનો મહાન પ્રસારક બનશે.ઋષિ પરાશરે મત્સ્યગંધા સમક્ષ સંતાન પ્રાપ્તિનો પ્રસ્તાવ મૂક્યો. મત્સ્યગંધા અત્યંત સંસ્કારી અને બુદ્ધિશાળી હતી, તેણે ત્રણ શરતો મૂકી
શરત ૧ સૂર્યપ્રકાશમાં આ કાર્ય શક્ય નથી, કારણ કે લોકો આપણને જોઈ શકે છે.
ઋષિએ પોતાની શક્તિથી આખી નદી પર ગાઢ ધુમ્મસ (કૃત્રિમ રાત્રિ) છવાયેલું કરી દીધું.
શરત ૨ મારા કૌમાર્યનું શું થશે?
ઋષિએ વરદાન આપ્યું કે સંતાન જન્મ પછી પણ તું કન્યા જ રહીશ અને તારા શરીરમાંથી જે માછલીની ગંધ આવે છે, તે ‘કસ્તુરી’ જેવી સુગંધમાં બદલાઈ જશે (જેનાથી તેનું નામ ‘યોજનગંધા’ પડ્યું).
શરત ૩ સંતાન કેવું હશે?
ઋષિએ આશીર્વાદ આપ્યા કે તારું સંતાન વેદોનો જ્ઞાતા અને યુગપુરુષ બનશે.
યમુના નદીના એક શાંત દ્વીપ (ટાપુ) પર આ રહસ્યમય સંજોગોમાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. જન્મતાની સાથે જ આ બાળકે એક અદભૂત ચમત્કાર કર્યો તે ક્ષણભરમાં યુવાન થઈ ગયો.
તેમનો રંગ શ્યામ (કાળો) હોવાથી તેમને ‘કૃષ્ણ’ કહેવાયા.
તેમનો જન્મ દ્વીપ પર થયો હોવાથી તેઓ ‘દ્વૈપાયન’ તરીકે પણ ઓળખાયા.પોતાના પિતા પરાશર પાસેથી જ્ઞાન મેળવી, આ યુવાન પુત્ર (વ્યાસ) તપસ્યા કરવા જવા નીકળ્યા .જતી વખતે તેણે પોતાની માતા સત્યવતીને વચન આપ્યું “માતા, જ્યારે પણ તમે કોઈ સંકટમાં હોય કે તમને મારી જરૂર પડે, ત્યારે તમે માત્ર મારું સ્મરણ કરજો. હું ગમે ત્યાં હોઈશ, તમારી સામે પ્રગટ થઈ જઈશ.”
આ જન્મ કથા માત્ર એક પૌરાણિક વાર્તા નથી, પણ એ દર્શાવે છે કે જ્યારે ઋષિ શક્તિ (પરાશર) અને માતૃ શક્તિ (સત્યવતી) મળે છે, ત્યારે જ્ઞાનના મહાસાગર જેવા ‘વેદવ્યાસ’ નો જન્મ થાય છે.
કૃષ્ણ દ્વૈપાયને પોતાની બુદ્ધિથી વેદોના ચાર ભાગ કર્યા
૧. ઋગ્વેદ, ૨. યજુર્વેદ,
૩.સામવેદ અને ૪. અથર્વવેદ.
આમ, વેદોનું ‘વ્યાસ’ (વિભાજન/સંપાદન) કરવાને કારણે તેઓ જગતમાં ‘વેદવ્યાસ’ તરીકે પ્રખ્યાત થયા.
મહાભારત અને ૧૮ પુરાણો રચ્યા પછી પણ વ્યાસજી અશાંત હતા. નારદ મુનિની સલાહ પર તેમણે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન કરતું ‘શ્રીમદ ભાગવત મહાપુરાણ’ રચ્યું. આ ગ્રંથ તેમણે પોતાના પુત્ર શુકદેવજી ને શીખવ્યો, જેમણે પાછળથી રાજા પરીક્ષિતને સંભળાવ્યો.
વેદવ્યાસજીનું જીવન શીખવે છે કે જ્ઞાન એ જ સૌથી મોટી શક્તિ છે. તેમણે પોતાના જીવનના દુઃખો (પોતાના જ વંશનો વિનાશ જોવો પડ્યો) હોવા છતાં જગતને જ્ઞાનનો ભંડાર આપ્યો.
વ્યાસજીએ આગળ જતાં વેદોનું વર્ગીકરણ કર્યું અને મહાભારત જેવો ગ્રંથ લખ્યો, જેના કેન્દ્રમાં તેમની માતા સત્યવતીનો જ કુરુવંશ હતો. “જન્મ સ્થાન કે કુળ ગમે તે હોય, મનુષ્ય પોતાના જ્ઞાન અને તપસ્યા દ્વારા જ મહર્ષિ કે જગતગુરુ બની શકે છે.”

દર્શના પટેલ ( નેશનલ મેડાલિસ્ટ)

