ARTICLE : વાહ – એક પ્રયાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ની દિશામાં

0
43
meetarticle

સૌપ્રથમ હું “વાહ” એટલે કે We All Are Humans આ સંસ્થાના મિશન સ્ટેટમેન્ટ વિશે વાત કરું. તેનો મુખ્ય હેતુ છે — ગુજરાતમાં વિજ્ઞાન અને ગણિતનો પ્રસાર અને પ્રચાર કરવો, તેમજ વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ સુધી પહોંચવા પ્રોત્સાહિત કરવું.
આ દેશને પણ એવા Research & Development (R&D) સેન્ટર્સની જરૂર છે જેવાં વિદેશોમાં — Oxford, Cambridge, Stanford, Harvard જેવી વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાં છે. હાલમાં આપણાં દેશમાં એવા ઉચ્ચ સ્તરીય આર એન્ડ ડી સેન્ટર્સનો અભાવ છે, પરંતુ હવે શરૂઆત થઈ ચૂકી છે. “વાહ” જેવી સંસ્થાઓ સતત કાર્યરત છે. વાહ અને વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગુજરાત માં બનાવેલ ૪૮ જેટલી શાળાઓ માં આશરે ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ learning by doing પ્રવૃત્તિઓનો લાભ લઈ રહ્યા છે.

માનીએ કે એમાંથી ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓ ભલે પોતાનું શિક્ષણ પૂર્ણ ન કરી શકે, પરંતુ જોબ કરવા માટે તો સક્ષમ રહેશે જ. ડોક્ટર, એન્જિનિયર, કેપ્ટન્સ ઑફ ઇન્ડસ્ટ્રી બનનારા વિદ્યાર્થીઓમાં કેટલાક તો ભવિષ્યના આઇન્સ્ટાઇન કે નિલ બોર બની શકે, જે આપણા દેશને વિશ્વની પ્રથમ પંક્તિમાં લાવી શકે.
પરંતુ પ્રશ્ન એ છે કે જ્યાં સુધી આપણા દેશમાં આર એન્ડ ડીનું યોગ્ય વાતાવરણ ઊભું નહીં થાય, ત્યાં સુધી દેશનું સર્વાંગી વિકાસ સ્વપ્ન જ રહેશે. આપણા અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ ગરીબી અને સંસાધનોના અભાવને કારણે વિદેશ જઈ શકતા નથી. તેમનાં મનમાં તેજ છે, પરંતુ હાથ બાંધેલા છે. આવા હીરાઓની ચમકને બહાર લાવવા માટે આપણને સ્થાનિક આર એન્ડ ડી સેન્ટર્સ ઊભાં કરવાની જરૂર છે.
ઈતિહાસ સાક્ષી છે કે Japan, Germany, South Korea અને China જેવા દેશો, જે એક સમય આપણા જેવી જ પરિસ્થિતિમાં હતા, તેમણે માત્ર ૪૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય અને આર એન્ડ ડી ક્ષેત્રે અમૂલ્ય પ્રગતિ કરી છે. આજ ૨૦૨૫માં એ દેશો દરેક ક્ષેત્રમાં આપણાથી ઘણા આગળ છે.

પશ્ચિમના દેશોએ પણ ૧૫મી સદી સુધી “અંધાર યુગ” જોયો હતો. પરંતુ Copernicus, Galileo, Newton જેવા વૈજ્ઞાનિકોએ જૂની માન્યતાઓને તોડી નવી વિચારધારાનો પ્રસાર કર્યો, જેના પરિણામે સંશોધન અને નવી શોધો શરૂ થઈ. તેના વિપરીત આપણા દેશમાં સંશોધન કેન્દ્રો અને વૈજ્ઞાનિકોને પૂરતું પ્રોત્સાહન મળ્યું જ નથી.
જગદીશચંદ્ર બોઝ, ડૉ. પીસી રાય, ડૉ. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકો સતત કહી ગયા કે દેશની ઉન્નતિ માટે આર એન્ડ ડી જ અનિવાર્ય છે. પરંતુ આપણે તે વાતને સમજ્યા છતાં અમલમાં ઉતારતા નથી.

વિશ્વના વિકસિત દેશોમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોએ GDPના ઓછામાં ઓછા 2.5% થી 5% ભાગ આર એન્ડ ડી માટે ફાળવ્યો છે, જ્યારે આપણા દેશમાં એ ફક્ત 1% થી પણ ઓછો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીને જ્યારે નવી લેબ માટે નાણા ન હતાં, ત્યારે Cavendish Family એ લેબ બનાવી આપી. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે ખાનગી સહકારથી વૈજ્ઞાનિક ઉન્નતિ શક્ય બને છે.
Albert Einstein જ્યારે જર્મનીથી ઇંગ્લૅન્ડ ગયા ત્યારે તેમણે ત્યાંની સંશોધનપ્રિય યુનિવર્સિટીમાં આશ્રય મળ્યો, જ્યાંથી અનેક Nobel Prize Winners તૈયાર થયા.
તે જ રીતે Alexander II અને Peter the Great એ રશિયામાં વિજ્ઞાનલક્ષી શિક્ષણ સુધારાઓ કર્યા, જેના પરિણામે તે દેશોએ વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશાળ પ્રગતિ મેળવી.
વિશ્વ ઇતિહાસ સાબિત કરે છે કે આર એન્ડ ડી વિના કોઈ દેશ વિકસિત બની શકતો નથી.
અમારા દેશમાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પણ આર એન્ડ ડી આધારિત શિક્ષણનું પ્રસાર કરવું એ સમયની માંગ છે.
Alfred Nobel નો ઉદાહરણ યાદગાર છે. પોતાના મરણના ખોટા સમાચાર વાંચ્યા પછી તેમણે વિચાર્યું કે માનવજાતિને નુકસાન કરતાં વિજ્ઞાનને લાભકારક દિશામાં વાળવું જોઈએ. તેમણે પોતાની સંપત્તિ વૈજ્ઞાનિક સંશોધન માટે અર્પણ કરી, જેના પરિણામે વિશ્વને “Nobel Prize” મળ્યો — જે આજ સુધી વૈજ્ઞાનિક અને માનવતાવાદી વિચારનું પ્રતિનિધિત્વ કરે છે.
અમારા ધર્માચાર્ય અને ઉદ્યોગપતિઓએ જો પોતાની સંપત્તિનો પાંચ ટકા ભાગ વૈજ્ઞાનિક સંશોધન માટે દાનરૂપે આપે, તો દેશનું ભવિષ્ય ચમકી ઊઠશે.
આપણે વારંવાર આપણા પ્રાચીન ઋષિઓના વૈજ્ઞાનિક કાર્યોનો ગૌરવ કરીએ છીએ, પરંતુ જો એ સંશોધનને અવિરત ચાલુ રાખ્યું હોત તો આજે આપણે વિશ્વ ગુરુ હોત.
હું જાણું છું કે આ કામ સહેલું નથી, પણ કોઈને તો શરૂઆત કરવી જ પડશે.
મારી પાસે કોડી નથી, પણ જંગ જીતવાની હિંમત છે.
હું માત્ર આર એન્ડ ડીનું બીજ વાવી રહ્યો છું — ક્યારેક તો એ પાંગરશે જ.
તથાસ્તુ!

પ્રમુખ:પ્રફુલ્લભાઈ
વાહ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here