જિંદગીમાં સફળતાનો દરવાજો તમારી મહેનતથી ખુલે છે, પણ એ ચાવી તમારા વિચારોમાં છુપાયેલી હોય છે. હકીકત એ છે કે વ્યક્તિ જેવું વિચારે છે, તેવું જ પરિણામ મેળવે છે. જો તમે એવું માની લેશો કે તમે કંઈ કરી શકતા નથી, તો આખું બ્રહ્માંડ પણ તમને સફળ નહીં બનાવી શકે. પણ જે દિવસે તમારી અંદર ‘હારવાની બીક’ કરતા તમારી ‘જીતવાની જિદ’ વધી જશે, એ દિવસે યાદ રાખજો કે તમને રોકવાની તાકાત ખુદ કાળ પાસે પણ નહીં હોય.

ઘણીવાર એવું બનશે કે તમારી આ શાંતિને લોકો તમારી નબળાઈ સમજશે. તમને લાગશે કે આખી દુનિયા તમારી મજાક ઉડાવી રહી છે. પણ ત્યારે શાંત રહેજો, કારણ કે હકીકત એ છે કે શાંતિથી એટલી મહેનત કરો કે તમારી સફળતા આખી દુનિયાના મગજ હચમચાવી નાખે. જિંદગીમાં હંમેશા બે જ રસ્તા હોય છે— કાં તો સપના પૂરા કરો, કાં તો સપના જોવાનું છોડી દો; વચ્ચેનો કોઈ રસ્તો હોતો જ નથી! જે લોકો વચ્ચે અટકી જાય છે, તેઓ ક્યારેય મંજિલ નથી પામતા.
તમારા નસીબના પાના અત્યારે ભલે કોરા હોય, તેની ચિંતા કરવાનું છોડી દો. જો તમારા પરસેવાની શાહી મજબૂત હશે ને, તો ઈશ્વરને પણ તમારી મહેનત મુજબનું પરિણામ લખવા મજબૂર થવું પડશે. આ દુનિયા બહુ સ્વાર્થી છે, સાહેબ! તે તમારી મહેનતને નહીં, પણ તમારા પરિણામને સલામ કરે છે. તમારા સંઘર્ષની વાતો ત્યારે જ વજનદાર લાગશે જ્યારે તમારી પાસે સફળતાની ટ્રોફી હશે.
તમારા માતા-પિતાની ઉંમર થઈ રહી છે, તેમની આશાઓ હવે થાકી રહી છે. શું તમે હજુ પણ ‘કાલ’ની રાહ જોશો? જાગો અને જીતવાની તૈયારી કરો! અત્યારે જ એ ફોન બાજુ પર મૂકો, એ આળસને ખંખેરી નાખો અને તમારા લક્ષ્ય પર તૂટી પડો. જેણે પોતાની ‘આજ’ ને લોખંડી પુરુષાર્થમાં બદલી નાખી છે, તેનું ‘કાલ’ તો સુવર્ણ અક્ષરે જ લખાયેલું હશે.
જિંદગીના ખેલમાં જો ‘ખેલાડી’ બનવું હોય ને દોસ્ત, તો હારનો ડર નહીં પણ જીતવાની ‘જિદ’ પાળવી પડે. યાદ રાખજો, તમારા બાપના પરસેવાની એક-એક બુંદનો હિસાબ તમારી સફળતાએ આપવાનો છે. દુનિયા ભલે તમને ‘કાલ’ પર ધકેલે, પણ તમે ‘આજ’ એવી જીવી જાવ કે આવતીકાલ ખુદ તમારા ઓટોગ્રાફ લેવા લાઈનમાં ઊભી રહે! રમત ગમે તેની હોય, પણ હવે રાજ તમારું હોવું જોઈએ.

લેખક પરિચય -એન્જી . હાર્દિક ચંદારાણા
