શિક્ષા એ માનવ જીવનનો અગત્યનો અને અભિન્ન અંગ છે. માણસ જન્મથી લઈને અંતિમ શ્વાસ સુધી શીખતો રહે છે અને એ જ સતત શીખવાનું નામ શિક્ષા છે. જો આપણા જીવનમાં શિક્ષાનો પ્રવેશ ન થયો હોત, તો આજે આપણે જે સ્થાન સુધી પહોંચ્યા છીએ, તે કદાપિ શક્ય ન હોત. શિક્ષા એ એવો પ્રકાશ છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે અને જીવનને ઉન્નતિના પંથે આગળ વધારવાનું પ્રેરણાબળ આપે છે. એટલા માટે જ સમગ્ર વિશ્વ શિક્ષાને વંદન કરે છે, કેમ કે શિક્ષાની શક્તિ મનુષ્યને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે.

બાળપણમાં શિક્ષા ઘણી વાર કઠિન, કંટાળાજનક અને ભારરૂપ લાગે છે. પુસ્તકો વચ્ચેના દિવસો રમતાં મેદાનમાં વિતાવેલા દિવસોથી ઓછા મીઠા લાગે છે. શાળાની શિસ્ત, પરીક્ષાની તણાવ, હોમવર્કનો ભાર આ બધું તે સમયે બહુ ગમતું નથી. પરંતુ સમય જતાં સમજાય છે કે બાળપણમાં ગમતી ન હોવા છતાં શિક્ષાએ જ આપણી સફળતા, વ્યક્તિત્વ અને જીવનનું ગૌરવ ગઢ્યું છે. શિક્ષાથી જ આપણું માથું આખી જિંદગી માટે ઊંચું રહે છે. બાળપણમાં તકલીફરૂપ લાગેલ શિક્ષા જીવનમાં મીઠું ફળ આપે છે અને એ જ શિક્ષાની મહાનતા છે.
આજના સમયમાં લોકોને એવું લાગે છે કે શિક્ષાનો અંતિમ હેતુ માત્ર નોકરી કે રોજગાર મેળવવો છે. દરેક વ્યક્તિ નોકરીની પાછળ દોડે છે, સારા પગાર અને પ્રતિષ્ઠા મેળવવા માટે પ્રયત્ન કરે છે. ખરું છે કે નોકરી જીવન માટે જરૂરી છે, પરંતું નોકરી મેળવવા કરતાં પહેલા એક સારો માણસ બનવું વધુ મહત્વનું છે. સંસ્કાર, સન્માન, સત્યનિષ્ઠા, માનવતા અને સહાનુભૂતિ આ ગુણો શિક્ષિત વ્યક્તિની સાચી ઓળખ છે. ડિગ્રી હોય પરંતુ માનવતા ન હોય તો તે વ્યક્તિત્વ અધુરું છે; પણ જો સંસ્કાર હોય, સન્માન આપવા અને મેળવનાની ક્ષમતા હોય તો એ જ સાચી શિક્ષિતતા છે.
ક્યારેક એવું પણ બને કે કોઈ વ્યક્તિ પરિસ્થિતિને કારણે અભણ રહી જાય. બાળપણમાં જવાબદારી, ગરીબી કે સંજોગોએ શિક્ષાથી વંચિત રાખ્યો હોય તો એ ગુનો નથી. પરંતુ સાચો અજ્ઞાન તો એ છે કે જો તે પોતાના સંતાનોને પણ શિક્ષાથી વંચિત રાખે. ભલે કોઈ અનપઢ હોય, ભૂલ કરી બેઠો હોય, જીવનના ખોટા શોખોમાં ફસાયેલો હોય તો પણ જીવનનું સૌથી મોટું પુણ્ય એ છે કે તે પોતાની આગામી પેઢીમાં શિક્ષાનું દીપ પ્રગટાવે. જો કોઈ પિતા પોતાના બાળપણમાં ભણ્યો ન હોય પણ પોતાના સંતાનોને શાળા મોકલી તેમને વિદ્યાની લાગણી અને સંસ્કારો આપે તો એ પિતા કરતા મહાન બીજો કોઈ નથી.
શિક્ષાની સાચી મહાનતા એ છે કે તે વ્યક્તિનું મન, વર્તન, વિચાર, શિસ્ત અને વ્યક્તિત્વ બધું બદલાવે છે. શિક્ષિત વ્યક્તિ માત્ર પોતાનું જ જીવન ઉજવતો નથી, પરંતુ સમાજને ઉજાસ આપે છે. શિક્ષિત સમાજમાં સમજણ, પ્રેમ, સૌહાર્દ, શાંતિ અને ઉન્નતિનું રાજ્ય હોય છે. અજ્ઞાન અને અંધશ્રદ્ધાનું અંધકાર શિક્ષાના પ્રકાશ સામે ટકી શકતો નથી. શિક્ષાથી ગરીબીને હરાવી શકાય છે, હિંસાને શાંત કરી શકાય છે, અસમાનતાને દુર કરી શકાય છે અને જીવનમાં સુખ તથા પ્રગતિના દ્વાર ખોલી શકાય છે.
શિક્ષા માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત નથી. શિક્ષા એટલે જીવનને સમજવાની કળા, સંબંધોને સજાવવાની કળા અને સમાજને સેવા આપવાની ભાવના. એક વ્યક્તિમાં જો વડીલો માટે સન્માન, નાની ઉંમરના બાળકો માટે પ્રેમ, સમાજ માટે જવાબદારી અને રાષ્ટ્ર માટે કર્તવ્ય હોય તો એ વ્યક્તિ સાચા અર્થમાં શિક્ષિત ગણાય. ડિગ્રી સફળતા આપી શકે છે, પરંતુ મૂલ્યો અને સંસ્કાર માણસને સન્માન અપાવે છે. નોકરી કમાણી વધારશે પરંતુ શિક્ષા જીવનમાં માનવતાનું મૂલ્ય વધારશે.
આપણે સૌની ફરજ છે કે શિક્ષાને માત્ર અભ્યાસ સુધી નહિ પરંતુ જીવનમૂલ્યો સુધી પહોંચાડીએ. માતા-પિતા અને શિક્ષકો સાચા માર્ગદર્શક બને તો પેઢીઓનો વિકાસ શક્ય બને. બાળકોને શિક્ષિત બનાવવું એટલે માત્ર શાળામાં મોકલવું નહિ પરંતુ પુસ્તક સાથે સંસ્કાર અને જીવન મૂલ્યો પણ શીખવવાના રહે. બાળકે વિચારે, સમજશે, સંવેદનશીલ બનશે અને જીવનને યોગ્ય દિશામાં આગળ વધારશે તો તે જ સાચી શિક્ષા છે.
સમાજ પરિવર્તનની સૌથી મોટી ચાવી શિક્ષા છે. જો દરેક બાળક શિક્ષિત બનશે, દરેક ઘર શિક્ષાનું મંદિર બનશે, અને દરેક સમાજ શિક્ષાના તેજથી ઉજ્જવળ બનશે તો કઈ પણ પ્રગતિ અશક્ય નથી. શિક્ષા એ એવી સંપત્તિ છે જે વારસામાં આપવાથી ઘસાઈ નથી જતી, પરંતુ પેઢી દર પેઢી વધતી જ જાય છે.
આખરે એટલું જ —
શિક્ષા જીવનની સૌથી અમૂલ્ય, સૌમ્ય અને પવિત્ર સંપત્તિ છે. દુનિયામાં ઘણી વસ્તુઓ છીનવાઈ શકે છે, પરંતુ શિક્ષા ક્યારેય છીનવાઈ શકતી નથી. શિક્ષાથી જ જીવન ઉજાસ પામે છે, સપનાઓને પાંખ મળે છે અને રાષ્ટ્ર ઊંચું થાય છે. ચાલો, શિક્ષાને પ્રણામ કરીએ અને પોતાની સાથે આગામી પેઢીને પણ શિક્ષાથી સમૃદ્ધ, સશક્ત અને સંસ્કારી બનાવીએ કારણ કે શિક્ષાથી જ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનો ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ પામે છે.
લેખક – પંચાલ ધાર્મિક વી. (પ્રયત્નથી પ્રગતિ)

