આકાશમાંથી જાણે ઈશ્વર સફેદ અપારદર્શક ઝાંખા પાંખા શ્વેત પડદાઓ ધરતી પર ઉતારતા હોય એવું લાગે. એવું લાગે જાણે
વહેલી સવારે ધુમ્મસ ફરવા નાં નીકળ્યું હોય.ધુમ્મસને સૂરજ સાથે વેર હોય એમ મેદાનોમાં ધુમ્મસ ઘાસ ચરવા નીકળી પડે છે. વહેલી સવારે ઝાડના પર્ણો પર ઝાકળ ભીના ટીપાઓનું સામ્રાજ્ય છવાયેલું હોય છે. પીળા પડી ગયેલા સુક્કા પર્ણો ને જાણે યુગોની તરસ લાગી હોય એમ પર્ણો ને ફૂલોની પાંદડીઓ પર ટપકેલા ઝાકળબિંદુ પી ને પર્ણો ને ફૂલો પોતાની તરફ છૂપાવે છે.
ઝાકળ ભીની સવારે તડકો આમતો ફરવા આવે છે. પણ જાણે તડકાને ધુમમ્સ સાથે વેર હોય એમ લીલા ઘાસના મેદાનોમાં આળોટતા તડકાને જોઈને ધુમ્મસ અદ્રશ્ય થવા લાગે છે. ને તરસ્યો તડકો પણ ચૂપચાપ ઝાકળ પીને ઉડી જાય છે.
ઝાકળ બિંદુઓમાં સો સો સૂરજના પ્રતિબિંબ કદાચ તડકાથી સહન નહી થતાં હોય એટલે બધા જ સૂર્યોને પી જવાની ગુસ્તાખી તડકો કરે છે. પણ ઝાકળ પણ કઈ જાય એમ નથી હોતું.ઝાકળ બિંદુઓ પી ગયા પછી અસંખ્ય સૂરજ ઘાસના મેદાનમાં ફરીથી ઊગી આવે છે. પછી તડકો બિચારો શું કરે!
આમ તો ઝાકળ બિંદુઓ રોજ વહેલી સવારે ફૂલોની ચરણ રજ ધોવા આવતા હોય છે. એને કદાચ ખબર હશે કે પછી ઝાકળથી ધોયેલા ફૂલો ઈશ્વરને ચડાવવાના હશે. એટલે ઝાકળ પણ જળ જળ અને પછી સૂરજના કુમળા પ્રકાશમાં ઝળહળ થઈ જાય છે.
વહેલી સવારે ધુમ્મસનું દ્રશ્ય જોઈએ તો બધા પહાડો અને વૃક્ષો જાણે ધુમ્મસની ચાદર ઓઢીને કદાચ ઠંડી ઊડાડતા હોય એવો ભાસ થાય છે. જેને કમળો થયો હોય એને પીળું દેખાય એમ વહેલી સવારે ધુમ્મસની આંખમાં મોતિયાની જેમ બધું ઝાંખું ઝાંખું વંચાતું હોય એમ એને આખું જગ ધૂંધળું દેખાય છે. થોડી વાર ગાઢ ધુમ્મસ ચારે બાજુ છવાયેલું દેખાય.
ધુમ્મસની દુનિયા જ કંઈક અનેરી હોય છે.વહેલી સવારે દ્રશ્યો બધા ઝાંખા ઝાંખા થઈ જાય છે. કુદરતના કેનવાસ પર ઈશ્વરને રંગ ઓછા પડ્યા હોય કે ખૂટી ગયા હોય એમ ઝાંખા પાંખા દ્રશ્યો દેખાતા હોય છે.
ઘણીવાર તો વાહનો ચલાવતા ચાલકને સામેનું વાહન કે વ્યક્તિ દેખાતા પણ હોતા નથી.જેને કારણે કસ્માત થવાનો પણ ભય હોય છે. જાણે આ બધી દુનિયા ઝાંખી હોય એમ લાગે છે.
વૃક્ષોના પર્ણ ઉપર ઝાકળ બિંદુઓ
જાણે મોતીનો થાળ રચ્યો હોય એવા ચમકે છે. કહો કે દમકે છે..
ક્યારેક કેળના પાન ઉપરથી ઝાકળ બિંદુ લસરપટ્ટી રમતા હોય એમ સર સર નીચે ઉતરી આવે છે. ને પછી માટીમાં ટપકીને ભીની માટીની સોડમ બની જાય છે.ઝાકળથી ભીંજાયેલી માટી અને પેલું ઢેફું
જળ જળ થઈ જાય .ત્યારે ઝાકળ ભીની માટીમાં કૂંપળને ફૂટવાનું મન થાય છે. મને તો ઝાકળબિંદુઓ
કેળના પાન પર લસરપટ્ટી રમતા નાના માસુમ બાળકો જેવા લાગે છે.
જયારે સુકાઈ ગયેલા પીળા પાન પરથી ઝાકળબિંદુઓ લસરતા હોય છે ત્યારે મને તો પાનખરનાં આંસુ હોય એમ લાગે લાગે છે.


