સનાતન ધર્મ સાંપ્રત સમયે એક કંટકપૂર્ણ પથ પરથી પસાર થઈ રહ્યો છે. જેથી હવે મહાત્મ્ય અને મહત્વ માટે મથવું પડશે.આ સુગંધને પ્રસરાવવા સૌએ યતકિંચિત પ્રયત્નો કરતાં રહેવા એ સમયની માંગ નહીં પરંતુ જરૂરિયાત દેખાય છે.

ભગવદ્ગોમંડળ કહે છે કે સનાતનની પરિભાષા કરીએ તો અર્થ સરે છે દિવ્ય પુરુષ. દિવ્ય પોતાની આભાથી પ્રકાશિત છે. ભવ્ય અને દિવ્યનો તફાવત કરીએ તો ભવ્ય ભંગાર થઈ શકે છે અને દિવ્ય એ રોજ નુતન,નવીન અને ઉત્સાહ વર્ધન કરનાર છે. સત્ય, પ્રેમ, કરુણા અને ચોથી અહિંસા એ સનાતનના સ્તંભ છે. સનાતન ધર્મને આપણે વૈદિક સનાતન ધર્મ તરીકે ઓળખીએ છીએ એટલે એનો અર્થ એવો કે વૈદિકની સંધિ કરીએ વૈ એટલે વૈશ્વિક અને દિક એટલે દિશા વિશ્વને દિશા આપે છે,આપનાર એ વૈદિક. રામચરિત માનસ સનાતનની પ્રસ્થાનત્રયી છે. “આદિ અંત જાસુ ન પાવા”. અર્થાત જેનો કોઈ આરંભ કે અંત કોઈ જાણી શકતું નથી તે. સનાતન ધર્મ શાશ્વત છે. કૃષ્ણ સનાતન પુરૂષ છે. અને સનાતન ઉર્ધ્વમુળ છે તેથી તેને કોઈ નિર્મુળ કરી શકે નહીં. કોઈ તેની મુરતને તોડી શકે પરંતુ સુરતને નહીં! આપણે ત્યાં સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ પર અનેક પ્રહારો થયા પણ આજેય અડીખમ છે.સનાતન એટલે સંવાદ. કોઈનો વિરોધ નથી પણ સત્યને ઉજાગર કરતા રહેવું અને સત્ય સાથે જોડાયેલા રહેવું તે જરૂરી છે.રામ સત્યનો પ્રભાવ છે “રામો વિગ્રહ વીનો પ્રભુ”. રામને સત્યનો પ્રભાવ,પ્રેમનો સ્વભાવ અને કરુણાનો પ્રવાહ ગણી શકાય. સનાતન ધર્મ સ્વતઃ શુદ્ધ અને સિદ્ધ છે. ‘યજ્ઞ ન મમ ..’ અર્થાત યજ્ઞ મારા માટે નહીં અન્ય માટે, સર્વ માટે છે અને તેથી યજ્ઞ આવશ્યક છે.
આપણી આશ્રમ વ્યવસ્થા જીવનનું આયોજન છે.આવી વ્યવસ્થાને આપણે અલગ રીતે મૂલવીને પછી તેનો દ્રષ્ટિકોણ બદલી દીધો છે અને તેથી તે અસ્વીકાર્ય છે.કર્મસેવાને આધીન આપણી વ્યવસ્થા ક્યાંક જન્મ આધારિત બની ગઈ.
ભગવદ્ ગીતામાં કૃષ્ણએ અર્જુનને કહ્યું કે મારો જન્મ અને કર્મ દિવ્ય છે. ‘સનાતનસ્વ ‘તેમ કૃષ્ણને અર્જુન કહે છે કે તમે સનાતન છો.જે અચળ છે તે સનાતન છે. તે ગુણાતીત, માયાતીત છે. વિશ્વાસ એ જીવન છે સંશય એ મોત છે.
ભાગવતમાં સનાતનના 30 લક્ષણો બતાવવામાં આવ્યા છે. સૂર્યના 108 નામ સનાતન છે.તે અવિનાશી, નિત્ય, અચળ, શાશ્વત સનાતન છે. સનાતન ધર્મ આકાશની જેમ અનંત છે, ધર્મ વ્યાપક થઈ ચાલે છે. 14 બ્રહ્માંડીય સનાતન છે. ગો, વાણી, કૃષ્ણ, ગોવિંદ બધા સનાતન ધર્મના પર્યાય છે. સનાતન ધર્મમાં કોઈ ભય નથી પણ તે પ્રાણવાયુ છે.તે સાક્ષાત્કાર કરે ચમત્કાર નહીં. સનાતન ધર્મ કોઈની હત્યા કરતો નથી પણ સમગ્ર દ્રષ્ટિ બદલી દે છે.
તખુભાઈ સાંડસુર

