ARTICLE : “સમય બદલાય છે, યુગ બદલાય છે, પણ કરેલા કર્મોનો હિસાબ ક્યારેય બદલાતો નથી”

0
11
meetarticle

ઇતિહાસ સાક્ષી છે કે સમય ક્યારેય એકસરખો રહેતો નથી. સામ્રાજ્યો ધરાશાયી થાય છે, નદીઓ પોતાના વહેણ બદલે છે અને યુગોના યુગો વીતી જાય છે. પરંતુ, આ બ્રહ્માંડમાં એક વસ્તુ એવી છે જે ક્યારેય બદલાતી નથી, અને તે છે ‘કર્મનો હિસાબ’.
મહાભારતનું પાત્ર અશ્વત્થામા આ સિદ્ધાંતનું સૌથી જીવંત અને ભયાનક ઉદાહરણ છે. તે આપણને શીખવે છે કે વ્યક્તિ ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, પણ તે પોતાના કર્મોના પરિણામથી ક્યારેય ભાગી શકતી નથી.ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા પાસે અખૂટ શક્તિ હતી, તેના મસ્તક પર દિવ્ય મણિ હતી જે તેને ભૂખ, તરસ અને થાકથી બચાવતી હતી. પરંતુ જ્યારે મહાભારતના યુદ્ધના અંતે તેણે મર્યાદાઓ ઓળંગી, ત્યારે તેની એ જ શક્તિ તેના માટે શ્રાપ બની ગઈ. અશ્વત્થામાએ પાંડવોના પાંચ પુત્રોની ઊંઘમાં હત્યા કરી. જે યોદ્ધાએ મેદાનમાં લડવાનું હોય, તેણે અંધારાનો આશરો લઈ નિરપરાધ બાળકોનો વધ કર્યો. આ એક એવું કર્મ હતું જેણે તેના તમામ પુણ્યને એક ક્ષણમાં ભસ્મ કરી દીધા. ક્રોધમાં આંધળા થયેલા અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત પર બ્રહ્માસ્ત્ર છોડ્યું. આ પાપ એટલું ગંભીર હતું કે સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણને ન્યાયના પક્ષે આવવું પડ્યું.શ્રીકૃષ્ણએ અશ્વત્થામાને જે સજા આપી તે સમજવા જેવી છે. કૃષ્ણએ તેને મૃત્યુ ન આપ્યું, કારણ કે મૃત્યુ તો વેદનાનો અંત લાવી દે છે. તેને સજા મળી ‘અનંતકાળ સુધી જીવતા રહેવાની’.યુગો બદલાયા, દ્વાપર યુગ પૂરો થયો, કલિયુગ આવ્યો, હજારો વર્ષો વીતી ગયા, પણ અશ્વત્થામાના કર્મોનો હિસાબ પૂરો થયો નથી.
લોકવાયકા મુજબ, આજે પણ તે પીડા સાથે ભટકે છે. આ શું બતાવે છે? એ જ કે સમય અને યુગ બદલાવા છતાં કર્મનો પડઘો હજુ પણ શમ્યો નથી “કર્મના કાયદામાં કોઈ વકીલ કે દલીલ ચાલતી નથી, ત્યાં તો સીધો અને સચોટ ન્યાય જ થાય છે.”
“તમારા કર્મો એવો પડછાયો છે, જે અંધારામાં પણ તમારો સાથ છોડતો નથી.”આપણે ઘણીવાર વિચારીએ છીએ કે “મેં આ ભૂલ કરી છે પણ કોઈએ જોઈ નથી,” અથવા “વખત જતાં બધું ઠીક થઈ જશે.” પણ અશ્વત્થામાનો પ્રસંગ યાદ અપાવે છે કે કર્મ ક્યારેય એક્સપાયર (Expire) થતું નથી વર્ષો પછી પણ તે તમારી સામે આવીને ઊભું રહે છે. સત્તા અને શક્તિ કાયમી નથી.અશ્વત્થામા પાસે દિવ્ય શસ્ત્રો હતા, છતાં તે પોતાને કર્મના દંડથી બચાવી શક્યો નહીં.
ન્યાયમાં મોડું થઈ શકે, પણ માફી નથી કુદરત દરેકને સુધરવાની તક આપે છે, પણ જો મર્યાદા ઓળંગાય, તો યુગો સુધી પસ્તાવો કરવો પડે છે.
આપણું જીવન એ આપણા જ કર્મોનું પ્રતિબિંબ છે. જો આપણે વર્તમાનમાં સત્ય અને ધર્મના માર્ગે ચાલીએ, તો ભવિષ્યમાં સમય ગમે તેટલો બદલાય, આપણો હિસાબ ચોખ્ખો રહેશે. યાદ રાખો, તમે જે આજે કરી રહ્યા છો, તે તમારું આવતીકાલનું ભાગ્ય બનીને પાછું આવશે.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here