ARTICLE : સાઉદી અરબમાં અફાટ રણમાંબરફની ચાદર પથરાઈ

0
62
meetarticle

હાલ ધગધગતી ગરમી અને વિશાળ રણપ્રદેશ માટે જાણીતા સાઉદી અરબમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે. જયા રેતી નું અફાટ રણ હોય અને અસહ્ય આગ દઝાડતી ગરમી પડતી હોય ત્યાં 30 વર્ષ બાદ રણમાં હજારો કિલોમીટર સુધી પથરાયેલા રણમાં બરફની ચાદર જોવા મળે તો સૌને આશ્ચર્ય જરૂર થાય.. આ ઘટનાએ ફરી એકવાર જળવાયું પરિવર્તનને કારણે મોસમમાં થતા અસાધારણ ફેરફાર વિશે ચિંતા જગાવી છે, જેના પરિણામ માટે વિશ્વના મોટાભાગના દેશો હજી તૈયાર નથી.

સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં આવેલા પ્રસિદ્ધ જબલ અલ-લોઝ જે બદામનો પર્વત તરીકે ઓળખાય છે. ત્યાં પર ભારે હિમવર્ષા થઈ છે. દરિયાઈ સપાટીથી આશરે 2,600 મીટરની ઊંચાઈ પર આવેલા આ પહાડો પર બરફની ચાદર પથરાઈ ગઈ છે.અહીંનું તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી ગયું છે.તો સાઉદી અરેબિયાની સાથે પાડોશી દેશ કતારમાં પણ શિયાળાની મૌસમે આશ્ચર્ય સર્જ્યું છે. કતારના અનેક વિસ્તારોમાં પણ સ્નોફોલ અને હળવો વરસાદ નોંધાયો છે, જેનાથી સમગ્ર મધ્ય પૂર્વના હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે.

હવામાન વિભાગ અને નિષ્ણાતો નાં અભિપ્રાયો સામે આવ્યા છે.
નેશનલ સેન્ટર ફોર મેટિઓરોલોજી (NCM) એ આગામી દિવસોમાં રિયાધના ઉત્તરીય ભાગો, અલ-મજમાહ અને અલ-ઘાટ ગવર્નરેટમાં વધુ હિમવર્ષાની આગાહી કરી છે. નિષ્ણાતોના મતે, સાઉદીના ઉત્તરીય ભાગોમાં શિયાળામાં હિમવર્ષા થવી તે અસામાન્ય નથી. જોકે તેની કોઈ ચોક્કસ ખગોળીય સાયકલ નથી, પરંતુ સમયાંતરે આવું જોવા મળે છે.

રાષ્ટ્રીય મોસમ કેન્દ્ર (NCM)ના જણાવ્યા અનુસાર, રિયાધના ઉત્તરમાં આવેલા અલ-મજમાહ અને અલ-ઘાટ વિસ્તારોમાં પણ ભારે બરફવર્ષા થઈ છે. ખુલ્લા મેદાનો અને ઊંચા વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા હતા. હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે મધ્ય અને ઉત્તરી સાઉદી અરબમાં ઠંડી હવાની એક શક્તિશાળી લહેર પ્રવેશી છે, જે વરસાદી વાદળો સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી રહી છે. પરિણામે આગામી કેટલાક દિવસો સુધી તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.

આ ઉપરાંત, દેશના અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. બિર બિન હરમાસ, અલ-અયિનાહ, અમ્માર, અલઉલા અને શકરામાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે, જ્યારે રિયાધ, કાસિમ અને પૂર્વી ક્ષેત્રોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં ખીણોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. પૂરગ્રસ્ત ખીણોમાં વાહન ચલાવતી વખતે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટના માત્ર ક્ષણિક વાતાવરણિક સ્થિતિનું પરિણામ નથી, પરંતુ આવી ઘટનાઓનું વધતું પ્રમાણ જળવાયુ પરિવર્તન તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. એક તરફ સંયુક્ત અરબ અમીરાતમાં અસામાન્ય ઠંડી અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ એશિયાના દેશોમાં રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે. મધ્યપૂર્વના સુકા વિસ્તારોમાં પૂર, યુરોપ અને ઉત્તરી આફ્રિકામાં બરફવર્ષા—આ બધું જ વૈશ્વિક હવામાનની અનિશ્ચિતતા અને અસ્થિરતાનો સંકેત આપે છે.

સાઉદી અરબમાં થયેલી આ બરફવર્ષાએ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ હવામાન પરિવર્તન અંગેની ચર્ચાને ફરી તેજ કરી છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો જળવાયુ પરિવર્તન સામે સમયસર અને અસરકારક પગલાં નહીં લેવામાં આવે, તો આવી અસાધારણ મોસમી ઘટનાઓ આવનારા સમયમાં વધુ વાર અને વધુ તીવ્ર સ્વરૂપે સામે આવી શકે છે.

આના પાછળના મુખ્ય વૈજ્ઞાનિક કારણો નીચે મુજબ છે:

  1. ડીપ લો-પ્રેશર સિસ્ટમ : મેડિટેરેનિયન સમુદ્રમાંથી આવતી એક તીવ્ર નીચા દબાણની પ્રણાલીએ ઠંડી હવાને અરેબિયન પેનિન્સુલા તરફ ધકેલી છે. આનાથી તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે જતું રહ્યું છે, જેના કારણે વરસાદ અને હીમ વર્ષા બરફના સ્વરૂપમાં પડી છે.
  2. ઠંડી હવા અને વરસાદનું મિશ્રણ: આ પ્રણાલીએ મધ્ય પૂર્વના વિસ્તારોમાં તીવ્ર વાતાવરણીય ફેરફારો કર્યા છે, જેમાં વરસાદ અને હીમ વર્ષા પછી બરફની ચાદર છવાઈ ગઈ છે. રણ જેવા ગરમ વિસ્તારમાં તાપમાન -4°C જેટલું નીચું જવાથી આ શક્ય બન્યું છે.
  3. જળવાયુ પરિવર્તનની અસર :

વૈજ્ઞાનિકો માને છે કે જળવાયુ પરિવર્તનને કારણે જેટ સ્ટ્રીમ દક્ષિણ તરફ વળી રહી છે, જે ઠંડી હવાને રણ જેવા વિસ્તારોમાં લાવે છે. આનાથી અસાધારણ મોસમી ફેરફારો વધી રહ્યા છે, જો કે આ ઘટના હજી અસામાન્ય છે પરંતુ તેની આવૃત્તિ વધી શકે છે.
આ ઘટના રણના કેટલાક વિસ્તારોમાં વાર્ષિક બને છે, પરંતુ વિશાળ રણપ્રદેશમાં તે દુર્લભ છે અને જળવાયુ પરિવર્તનના પરિણામોનું ઉદાહરણ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here