ભારતના ઇતિહાસના પૃષ્ઠો પર 8 જાન્યુઆરી, 1026નો દિવસ એક કાળા ડાઘ સમાન અંકિત થયેલો છે. આ એ ગોઝારો દિવસ હતો જ્યારે મહમૂદ ગઝનીએ સૌરાષ્ટ્રના સમુદ્રતટે બિરાજમાન ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર આક્રમણ કર્યું હતું. આ માત્ર એક ભૌતિક આક્રમણ નહોતું, પરંતુ ભારતની શ્રદ્ધા અને અસ્મિતાને તોડવાનો એક જઘન્ય પ્રયાસ હતો.
એક ગોઝારો ઇતિહાસ
ગઝનીએ જ્યારે સોમનાથ પર હુમલો કર્યો ત્યારે મંદિરની રક્ષા કાજે 50,000થી વધુ શિવભક્તોએ પોતાના બલિદાન આપ્યા હતા. આક્રમણખોરોએ મંદિરને લૂંટ્યું, લિંગને ખંડિત કર્યું અને ભવ્ય શિખરને ધૂળધણી કરી નાખ્યું. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે, સોમનાથના પથ્થરોમાં એવી શક્તિ હતી કે તે દર વખતે રાખમાંથી બેઠું થવાની તાકાત ધરાવતું હતું.
બાણસ્તંભ: પ્રાચીન ભારતનું ભૌગોલિક જ્ઞાન
સોમનાથ મંદિરના પટાંગણમાં સમુદ્ર કિનારે એક અત્યંત પ્રાચીન અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવતો ‘બાણસ્તંભ’ આવેલો છે. આ સ્તંભ પર એક તીર (બાણ) બનાવવામાં આવ્યું છે જે સમુદ્ર તરફ નિર્દેશ કરે છે. આ સ્તંભની વિશેષતા એ છે કે તેના પર સંસ્કૃતમાં લખેલું છે: “આસમુદ્રાંત દક્ષિણધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ”.
એનો અર્થ એ થાય છે કે, સોમનાથ મંદિરના આ બિંદુથી લઈને દક્ષિણ ધ્રુવ (South Pole) સુધી સીધી રેખામાં વચ્ચે ક્યાંય પણ જમીનનો કોઈ ટુકડો કે પહાડ આવતો નથી, માત્ર જળ જ છે. આ સ્તંભ એ વાતનું જીવંત પ્રમાણ છે કે હજારો વર્ષો પહેલાં ભારતીય ઋષિ-મુનિઓ અને ખગોળશાસ્ત્રીઓને પૃથ્વીના ગોળાકાર હોવાનું અને ભૂગોળનું કેટલું સચોટ જ્ઞાન હતું.
પુનઃનિર્માણનો સંકલ્પ: સરદાર પટેલની દ્રષ્ટિ
સોમનાથના આધુનિક પુનઃનિર્માણની શરૂઆત ભારતની આઝાદી સાથે થઈ. 13 નવેમ્બર, 1947ના રોજ જ્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રના જળને હાથમાં લઈ સંકલ્પ કર્યો, ત્યારે સોમનાથના નવજીવનનો પાયો નખાયો. ગાંધીજીની સલાહ મુજબ લોકફાળાથી આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું. 11 મે, 1951ના રોજ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
ઉપસંહાર
આજે સોમનાથ મંદિર તેની ભવ્યતા સાથે અડીખમ ઊભું છે. તે આપણને યાદ અપાવે છે કે આતતાયીઓ ગમે તેટલા શક્તિશાળી હોય, પણ તે સંસ્કૃતિના મૂળિયાં ક્યારેય ઉખેડી શકતા નથી. સોમનાથ એ વિનાશ પર સર્જનના વિજયની ગાથા છે.
લેખક અશ્વિન ગોહિલ

