પતંગ ચગાવવા માટે ઉત્તમ સ્થળ ધાબુ છે. વર્ષોથી લોકો ધાબા પતંગ ચગાવતા આવ્યા છે. જોકે આજે મોટા શહેરોમા ધાબાનું સ્થાન અગાસી, મોટા મોટા ટેરેસે લઈ લીધું છે. પણ જે મઝા ધાબા પર જઈને મિત્રો, પરિવાર સાથે પતંગ ચગાવવામાં આવે છે એ મઝા ટેરેસ પર નથી આવતી.
આમ તો આખું વરસ ધાબુ ધૂળ ખાતું હોય છે..વેર વિખેર પડેલા સામાન વચ્ચે હાફતું ધાબુ વર્ષમાં એકવાર ઉતરાણના દિવસે ધાબુ ફરીથી જીવીત થાય છે..ધાબા પર વેરવિખેર પડેલો સામાન ટૂટીયું વાળીને ઠન્ડીમાં ઢબૂરાયેલો હોય છે. પણ ઉતરાણ આવે ત્યારે ધાબુ ફરીથી ફિનિક્સ પંખીની જેમ જીવીત થાય છે. ટૂંટીયું વાળીને જાળીયા વચ્ચે ઢબુરાયેલા સામાનને કળ વળે છે.ધાબુ આળસ મરડીને બેઠું થાય છે.ધૂળની ચાદર ઉડવા માંડે છે. અને ધૂળ ખંખેરાય છે.
પછી કોઈના ગોરીના પગલાનો દાદરના ચડવાનો અવાજ સંભળાયછે . પગથીએ છમ્મ છમ્મ ઝાંઝરના ઝીણા ઝમકારથી ધાબાના કાન સરવા થાયછે.ત્યારે ઉતરાણના દિવસે ધાબુ ફરી એકવાર જીવીત થતું હોય એવું લાગે છે.પછી તો ઝાટક ઝુટક,સાફ સફાઈની સફાઈ ઝુંબેશમાં ધાબુ. પણ પાણી પાણી થઈ જાય છે.પાણીના ફુવારામાં ધાબાનો ચહેરો ખીલી ઉઠે છે ક્લીનસેવ જેવો.
ઉતરાણના દિવસે ધાબાની ફર્શને ગોરા હાથનો સ્પર્શ થાય છે.ને ધાબુ રોમાંચીત થઈ છે.પછી તો ધાબુ તા.. તા.. થૈયા.. તા..થઇ.. તા.. થઇ..ના તાનમાં ધાબુ નૃત્ય કરવા લાગી જાય છે.સજીવન થયેલા ધાબા પર પછી તો પતંગો, ને ફીરકી, ને ગોગલ્સ, ટોપીના નવા સામાનનો ઢગલો જોઈને પવનની લહેરખીમાં ધાબુ રીતસરનું ઉડવા માંડે છે.ધાબા પર બા, બાપુજી, ટાબરિયાંઓ અને જીન્સ ટીશર્ટમાં શોભતા પ્રેમી પંખીડાઓની એન્ટ્રીથી ધાબુ રીતસરનું ડાન્સ કરવા લાગે છે.

ધાબા પર મીઠાં બોર, શેરડી ને ચીકીનો સ્વાદ ચાખી ગયેલું ધાબુ ઊંધિયું પુરી ને જલેબીની મિજબાની માણતું ધાબુ ખાઉઘરું થઈ જાય છે.આકાશમાં ઉડતા પતંગોની સાથે કાઇપો છે.. ને લપેટ..ની ચીચીયારીઓ વચ્ચે અટવાયેલું ધાબુ પણ ચીચીયારીઓ પાડવા માંડે છે.
પછી ધાબા પર કપાઈને આવેલી પતંગ ને તૂટેલી દોર લૂંટવા ટાબરિયાંઓની ધમાલ વચ્ચે ધાબુ હસી હસીને લોટ પોટ થઈ જાય છે.હા, ઉતરાણના દિવસેત્યારે ખરેખર ધાબુ જીવીત થઈ જતું હોય છે.
સવારથી સાંજ સુધી ધાબા પરની આખા દિવસની ધમાચકડી વચ્ચે ધાબુ હવે થાકીને લોથપોથ થઈ ગયું છે. સાંજ પડતા પાછા ફરતા પંખીઓની સાથે આકાશમાંથી ઉતરતા પતંગો, ઓસરતી સંધ્યા ને ખાલી થતા ધાબાનો ધમધમાટ ઓસરવા લાગે છે.ફાટેલા પતંગો,તૂટેલી દોરીના ટુકડા, શેરડીના કુચા, કાગળના નાસ્તાની વેર વિખેર ડીશો ને કઈ કેટલાય કચરાનો ઢગલો વચ્ચે ધાબુ કચરાપેટી થઈ જાય છે.
સાંજ પડતા ધાબુ છોડીને ધબ ધબ ઉતરતા પગથિયાંનો અવાજ સાંભળીને ધાબાનો પારો ઉતરવા માંડે છે.ઠંડીનો ચમકારો.. ને સૂર્યાસ્તની વાટ સાથે ફરી એક વાર ધાબુ ઢબુરાઈ જાય છે અંધકારમાં. ધાબુ થાકી ગયું છે. લોથપોથથઈ ગયું છે .. ધૂળની ડમરીઓ ધાબાને ઘેરી વળી છે. ધાબુ ખાલી ખમ થઈ ગયું છે. હવે ધાબા પર કોઈ ચઢતું નથી.કોઈ ઉતરતું નથી.. ધાબુ સાવ એકલું અટુલું રડવા જેવું થઈ જાય છે.
હા, સાચી વાત છેઆમ તો આખું વરસ ધાબુ ધૂળ ખાતું હોય છે..પણ વર્ષમાં એક વાર ધાબુ જીવીત થાય છે.!

………………………………………
REPORTER : દીપક જગતાપ

