કેસૂડો વસંતઋતુનું પ્રતીક છે. ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે.

આ પવિત્ર વૃક્ષ છે. કહેવાય છે કે સોમરસ પીધેલા ગરુડનાં પીંછાંમાંથી તેની ઉત્પત્તિ થઈ છે. સોમરસનો તેમાં અંશ હોવાથી કેટલીક ધાર્મિક ક્રિયામાં તેનો ઉપયોગ થાય છે. તેનાં સૂકાં લાકડાં યજ્ઞમાં હોમાય છે. કેટલાંક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીનો દંડ તેના લાકડામાંથી બનાવાય છે. જનોઈ આપતી વખતે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશના પતરાળામાં જમવું પડે છે. તે પતરાળું ત્રણ પાનના સમૂહનું બનેલું હોય છે, જેમાં મધ્યનું પાંદડું વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ મનાય છે.

પશ્ચિમ બંગાળમાં કેસૂડા લોકપ્રિય છે. ઐતિહાસિક પ્લાસીનું યુધ્ધ થયું તે સ્થળે કેસૂડાનાં જંગલ હતા એટલે જ તેને પ્લાશી નામ અપાયું. કેસૂડાનું સંસ્કૃત નામ
‘પલાશ’ છે. તેના લાકડા યજ્ઞામાં સમિધ તરીકે વપરાય છે. કેરળમાં ઘરના આંગણામાં તુલસી ઉપરાંત કેસૂડાનુંવૃક્ષ વાવવાની પરંપરા છે.
પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાદડાં ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધાં ખરી પડે છે. એપ્રિલ અથવા મે માસમાં નવાં પાન આવે તે પહેલા મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ)માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે.
ઓછામાં ઓછી કાળજી માગતું આ વૃક્ષ ખડકાળ જગામાં ઊગે છે. ગુજરાતમાં પાવાગઢ, પંચમહાલ જિલ્લો, શામળાજી અને ડાંગ જિલ્લામાં તે વિશેષ પ્રમાણમાં મળે છે.પુષ્પોમાંથી ચમકતો, પરંતુ અસ્થાયી પીળો રંગ મળે છે. તે રસમાં હોય છે અને શુષ્ક પુષ્પોમાંથી કાઢા કે આસવના સ્વરૂપમાં મેળવી શકાય છે. ફટકડી, ચૂનો અથવા આલ્કલી ઉમેરતાં ઓછો અસ્થાયી નારંગી રંગ બને છે. કાઢાનો ઉપયોગ સુતરાઉ કાપડ, ઊનની શેતરંજીઓ અને સોલાની વસ્તુઓ રંગવામાં અને ખેતરમાં ઊધઈનું નિયંત્રણ કરવા માટે થાય છે. પુષ્પોનો પાઉડર હોળીના ઉત્સવ દરમિયાન વાપરવામાં આવે છે. પુષ્પમાં મુખ્ય ગ્લાયકોસાઇડ બ્યુટ્રિન હોય છે. પુષ્પોનો ઝગારા મારતો રંગ ચાલ્કોન અને ઓરોનને આભારી છે. ડામરના સાંશ્લેષિક રંગોને બદલે તેનો ખાદ્ય પદાર્થો પીળા-નારંગી રંગે રંગવામાં ઉપયોગ થાય છે. ક્લૉરોફૉર્મ અને પેટ્રોલિયમ-ઈથર વડે પુષ્પોનું નિષ્કર્ષણ કરતાં અનુક્રમે 0.35 % અને 0.75 % મીણ ઉત્પન્ન થાય છે.
કેસુડાના ફુલોની હોળીએ સૌથી જુની હોળી માનવામાં આવી છે. આદિકાળથી કેસુડાના ફૂલોથી હોળી રમાતી આવી છે. કેસુડાના ફૂલોની હોળી રમવાનું ખાસ કારણ એ પણ છેકે, એનાથી સ્નાન કરવાથી ગરમીથી રાહત મળે છે અને ચામડીના રોગો દૂર થાય છે
કેસુડાના ઉપયોગ :
તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ અને કોલસા બનાવવામાં તે કામ આવે છે. બે વર્ષના કુમળાં વૃક્ષનાં મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે, પણ મૂળ કાચાં ખવાય તો ચકરી આવે.ખાખરાનું કાષ્ઠ ધરાવતા કઠિન કાષ્ઠ ના મિશ્રણમાંથી પ્રાપ્ત થતા માવામાંથી બ્રેઇલ મુદ્રણના અને વીંટાળવાના કાગળ બનાવી શકાય છે. ખાખરાના કાષ્ઠનો માવો છાપાના કાગળ બનાવવામાં વપરાય
છે.
ખાખરો ઉષ્ણ, તૂરો, વૃષ્ય, અગ્નિદીપક, સારક, કડવો, સ્નિગ્ધ, ગ્રાહક તથા ભગ્નસંધાનકારક છે. વ્રણ, ગુલ્મ, કૃતિ, પ્લીહા, સંગ્રહણી, અર્શ, વાયુ, કફ, યોનિરોગ અને પિત્તરોગનો નાશ કરનાર કહેવાય છે. તેનાં સ્વાદુ, કડવાં, ઉષ્ણ, તૂરાં, વાતુલ, ગ્રાહક, શીતળ તથા તીખાં ફૂલ તૃષા, દાહ, પિત્ત, કફ, રક્તદોષ, કોઢ અને મૂત્રકૃચ્છ્રનો નાશ કરનાર મનાય છે. તેનાં ફળ રુક્ષ, લઘુ, ઉષ્ણ તથા પાક કાળે તીખાં હોય અને કફ, વાયુ, કૃમિ કોઢ, ગુલ્મ, પ્રમેહ, અર્શ તથા શૂળના રોગ ઉપર વપરાય. તેનાં સ્નિગ્ધ, ઉષ્ણ અને તીખાં બીયાં કફ તથા કૃમિનો નાશ કરે છે.


